સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ ભૂતકાળમાં પક્ષ વિરોધી કામગીરી કરનારને કોંગ્રેસ નહીં આપે ટિકીટ
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભૂતકાળમાં પક્ષ વિરોધી કામગીરી કરનારને ટિકીટ નહીં આપવાનો કોંગ્રેસ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી અનેક નેતાઓ અને કાર્યકરોના નામ કપાય તેવી શકયતાઓ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગરના ઉમેદવારોના નામ કોંગ્રેસ દ્વારા જાહેર કરી દેવાયા હોવાનું જાણવા મળે છે. સુરતના 19 વોર્ડના 52 ઉમેદવારો, રાજકોટના 14 વોર્ડના 22 ઉમેદવારો, વડોદરાના 11 વોર્ડના 20 ઉમેદવાર, ભાવનગરમાં 10 વોર્ડના 21 ઉમેદવાર અને જામનગરના 7 વોર્ડના 27 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે અમદાવાદ મનપામાં ઉમેદવારોની પસંદગી અંગે મોડી રાત સુધી કોંગ્રેસની મેરેથોન બેઠક ચાલી હતી. જેમાં મોટા ભાગના વોર્ડના નામ ક્લિયર થયા છે. ત્યારે નિર્વિવાદિત બેઠકો પર થોડા સમયમાં નામની જાહેરાત થશે. પહેલી યાદીમાં 100થી વધુ ઉમેદવારોના નામ જાહેર થશે.
કોંગ્રેસના સિનયર નેતાઓની બેઠકમાં ભૂતકાળમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા નેતા-કાર્યકરોને ટિકીટ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કેટલાક વર્તમાન કોર્પોરેટરની પણ ટીકીટ કપાય તેવી અટકળો વહેતી થઈ છે. અમદાવાદના ઉમેદવારોની જાહેરાત ગણતરીના સમયમાં કરવામાં આવે તેવી શકયતા છે. કોંગ્રેસ દ્વારા જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગી ઉપર ધ્યાન કેન્દ્રીય કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે.