કોંગ્રેસ હવે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરશેઃ જગદીશ ઠાકોર
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરીની સાથે જ ભાજપા ટ્રેન્ડમાં હતું અને 140થી વધારે બેઠકો ઉપર ભાજપ આગળ હતું. જ્યારે કોંગ્રેસ 24 જેટલી બેઠકો ઉપર આગળ હતી. વર્ષ 2017ની સરખામણીમાં આ ચૂંટણીમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયાનું જોવા મળી રહ્યું છે. દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રજાના નિર્ણયને સર્વોચ્ચ માન્યો હતો. તેમજ કોંગ્રેસ હવે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં લાગશે તેમ તેમણે જણાવ્યું હતું.
જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, હજુ બેથી 3 જેટલા રાઉન્ડ થયાં છે, જેમાં ભાજપ આગળ છે, 10 રાઉન્ડ બાદ જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે. જો કે, પ્રજાનો જે પણ આદેશ હશે તે અમે સ્વિકારીશું. આગામી દિવસોમાં કોંગ્રેસને વધારેમાં વધારે મજબુત કરવા માટે પ્રયાસો કરવામાં આવશે. એટલું જ નહીં કોંગ્રેસ હવે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરશે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હાલની પરિસ્થિતિ અંગે મનોમંથન કરીને તેમાં સુધારો કરવાને બદલે હવે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીની વાત કરતા હોવાથી તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. તેમજ કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને પગલે આગામી દિવસોમાં કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાત કોંગ્રેસના માખવામાં ફેરફાર કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.