રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડ બનાવવા કોંગ્રેસ દ્વારા સરકારને રજુઆત કરાશેઃ અમિત ચાવડા
સુરતઃ ઈઝરાઈલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે સુરતના હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે. રત્ન કલાકારો પુરતુ કામ ન મળવાથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઘણાબધા રત્ન કલાકારોને પરિવારનો જીવન-નિર્વાહ ચલાવવો પણ કપરો બની ગયો છે. રત્ન કલાકારોના અનેક પ્રશ્નો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય એવા વિપક્ષના નેતા અમિત ચાવડાએ શ્રમજીવી સેવાલય ખાતે સુરતના રત્નકલાકારો સાથે તેમના પશ્નોના મુદ્દે સંવાદ કર્યો હતો. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના સભ્યોએ વિપક્ષના નેતાને આવેદનપત્ર આપી તેમની રજૂઆત કરી હતી. ત્યારબાદ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં ખાસ કરીને રત્નકલાકારોને મંદીનો સામનો કરવાનો આવ્યો છે. રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ. હાલ આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની યુનિયનની માંગ અમે સરકાર સુધી પહોંચાડીશું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનો હીરા ઉદ્યોગ વિશ્વમાં એક આગવી ઓળખ મેળવી ચૂક્યો છે. લાખો લોકોને રોજગારી પુરી પાડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને મોટું હૂંડિયામણ રળી આપે છે. રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે સુરતના હીરા ઉદ્યોગને આર્થિક નુકશાન થયું છે. વેપારીઓની સાથે રત્ન કલાકારોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કપરી પરિસ્થિતિના કારણે 30 લોકોએ આત્મહત્યા કરવી પડી છે. 20 લાખ કરતા વધુ રત્ન કલાકારો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. જે સ્થિતિનું નિર્માણ થયું છે. તેના કારણે કામના કલાકો પર કાપ મુકવામાં આવ્યો છે. અત્યારથી દિવાળી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. ક્યારે યુનિટ શરૂ થશે તેનો કોઈ સમય નિશ્ચિત નથી. રત્ન કલાકારોના આગેવાનોને રજૂઆત કરી છે. સુરતમાં 30થી વધુ રત્ન કલાકારોએ આત્મ હત્યા કરી છે. ત્યારે સરકારે ચિંતા વ્યક્ત કરી આર્થિક પેકેજની જાહેરાત કરવું જોઈએ.
તેમણે ઉમેર્યું હતું કે રત્ન કલાકારો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તેવી કોંગ્રેસની માંગણી છે. વૈશ્વિક મંદીના સમયે રત્ન દીપ યોજના શરૂ કરવામાં આવી હતી ,જે યોજના ફરી શરૂ કરી આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગ છે. રત્ન કલાકારો આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરી છે. તેવા પરિવારોને કેન્દ્ર અને રાજ્ય સરકાર આર્થિક પેકેજ જાહેર કરવપં જોઈએ. રત્ન કલાકારો પાસે લેવામાં આવતો વ્યવસાયવેરો ગેરકાયદે છે. રત્ન કલાકારો પાસે વસુલવામાં આવતો વ્યવસાય વેરો રદ કરવો જોઈએ. આગામી દિવસોમાં આ અંગે કોંગ્રેસ લડત ચલાવશે.
તેમણે કહ્યું હતું કે, રત્ન કલાકારોને કાયદા મુજબ લાભો મળવા જોઈએ. કેટલીક કંપનીઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે છે. ફેક્ટરી એકટ હેઠળ થતાં કાયદાઓનું ઉલ્લંઘન બદલ કાર્યવાહી થાય તેવી માંગ છે.”રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે તેવી માંગ યુનિયનની છે. જે માંગ અમે સરકાર સુધી પહોંચાડીશું. રત્ન કલાકારો વર્તમાન સ્થિતિમાં આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે અને આત્મહત્યા કરી રહ્યા છે. જે રત્ન કલાકારો બેરોજગાર થયા છે, તેવા લોકો માટે સરકાર આર્થિક રાહત પેકેજ જાહેર કરવી જોઈએ. આગામી દિવસોમાં આ પ્રશ્નોને લઈ કોંગ્રેસ દ્વારા વિધાનસભા અને સરકારમાં રજૂઆત કરાશે. અને જરૂર પડ્યે આંદોલન કરવામાં આવશે.