વાંકાનેરઃ ગુજરાતમાં મોટાભાગના માર્કેટિંગ યાર્ડ્સ અને સહકારી ક્ષેત્ર પર ભાજપનું વર્ચસ્વ છે. ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે.વાંકાનેર માર્કેટિંગ યાર્ડની પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટે સોમવારે બપોરે બાર વાગ્યાથી મતદાન ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, આ ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, ભાજપ પેનલ દ્વારા જીત માટે તમામ તાકાત લગાવી દેવામાં આવી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદો પર કોંગ્રેસના ઉમેદવાર ભવ્ય વિજેતા જાહેર થયા છે.
વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં સોમવારે યોજાયેલા મતદાન તથા મતગણતરી પ્રક્રિયા બાદ પ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ અમીભાઈ પરાસરા (સિંધાવદર) અને ઉપપ્રમુખ તરીકે નાથાભાઈ મનજીભાઈ ગોરીયાનો ભવ્ય વિજય થયો છે અને ભાજપાના ઉમેદવારોનો કારમો પરાજય થયો હતો. કોંગ્રેસ પક્ષના ચેરમેન – વાઈસ ચેરમેનને 11 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 4 +3 = 7 મત મળ્યા હતા. એટલે કે 3 સરકારી મત સાથે માત્ર સાત જ મત મળ્યા હતા. કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વાંકાનેર એપીએમસીમાં જીતથી દુર રાખવા પોલીસ દ્વારા ચૂંટણી પહેલા ધાકધમકી, મતદારોને અટકાવવા અનેક પ્રયત્નો કર્યા હતા. પણ ભાજપાના તમામ હથકંડાને પછડાટ મળી હતી. પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી લડવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, ઉપનેતા શૈલેષ પરમાર સહિતના આગેવાનોએ એપીએમસીના નવા ચૂંટાયેલા પ્રમુખ-ઉપપ્રમુખશ્રીને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા અને ચૂંટાયેલા ચેરમેન – વાઈસ ચેરમેન ખેડૂતો અને સ્થાનિક નાના વેપારીઓના હિતમાં અસરકારક કામગીરી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.