Site icon Revoi.in

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં કોંગ્રેસ પાસેથી વિપક્ષપદ પાછું ખેચાયું, હવે વિપક્ષ ઓફિસને તાળાં લાગશે

Social Share

રાજકોટઃ લોકશાહીમાં સબળ વિરોધપક્ષ હોવો જરૂરી છે, પ્રજાના પ્રશ્નોને વાચા આપીને સત્તાપક્ષને ઢંઢોળવાનું કામ વિપક્ષનું છે. પરંતુ લોકસભા હોય કે વિધાનસભા, કે મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા, વિપક્ષ નબળો પડતો જાય છે. અને હવે સ્થિતિ એવી આવી છે, કે, કોંગ્રેસ પક્ષ વિપક્ષનું સ્થાન પણ ગુમાવતો જાય છે. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસે જીતેલી 4 બેઠકમાંથી બે સભ્ય આપમાં જતાં રહેતા હાલ બે જ કોર્પોરેટર છે. જેમાં એક વિપક્ષી નેતા છે અને હવે તેમની સુવિધાઓ પર પરત ખેંચવા માટે ભાજપે નિર્ણય કર્યો છે. આ કારણે હવે વિપક્ષના કાર્યાલયને તાળાં લાગશે. મેયર ડો.પ્રદીપ ડવે સેક્રેટરી વિભાગને સૂચના આપતા સેક્રેટરીએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી વિપક્ષને અપાતી સુવિધાઓ જેવી કે કાર, કાર્યાલય સહિતને તાત્કાલિક અસરથી પરત ખેંચવા માટે જણાવ્યું છે.

રાજકોટ મ્યુનિ.કોર્પરેશનમાં કોંગ્રેસને મળેલું વિપક્ષનું પદ પણ પરત ખેચાયું છે. કારણ કે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ચાર કોર્પોરેટર ચૂંટાયા હતા. જેમાં બે કોર્પોરેટરોએ પક્ષ પલટો કરીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતાં કોંગ્રેસ પાસે હાલ માત્ર બે જ કોર્પોરેટર છે. બીજુબાજુ સત્તાપક્ષ ભાજપ પાસે તોતિંગ બહુમતી હોવા છતાં ઉદારમતતાનો અભાવ છે. એટલે કે ભાજપ કોંગ્રેસને વિપક્ષનું પદ પણ આપવા માગતો નથી.
શહેરના મેયરે આ માટે તેમાં કારણ દર્શાવ્યું છે કે, 18 વોર્ડની 72 બેઠક પૈકી ભાજપને 68 અને કોંગ્રેસને 4 બેઠક મળી હતી જે પૈકી કોંગ્રેસના હાલ 2 જ સભ્યો છે. જેથી વિપક્ષને બેઠક વ્યવસ્થા માટે ઓફિસ તેમજ વિપક્ષના નેતાને વાહન આપવું વાજબી જણાતું નથી. આ કારણે હવે વિપક્ષના કાર્યાલયને તાળાં મારી દેવાશે. વિપક્ષી નેતા જે ભંગાર જેવી કાર બદલવા માટે હોદ્દા પર આવ્યા ત્યારથી રજૂઆતો કરતા હતા તે કાર પણ હવે મળશે નહિ અને ગેરેજમાં જ રાખવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં  મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ 15 પેટા સમિતિના ચેરમેનના હોદ્દા બંધારણીય હોદ્દા છે. વિપક્ષી નેતા ઉપરાંત શાસક પક્ષના નેતા, શાસક પક્ષના દંડક અને વિપક્ષના દંડક સહિતના હોદ્દા બંધારણમાં ફરજિયાત નથી. ભાજપના સત્તાધિશો એવું કહી રહ્યા છે. કે, કોંગ્રેસને 10 ટકા બેઠકો પણ મળી નથી. તેથી તેમને સુવિધાઓ આપવી યોગ્ય નથી. આ ઉપરાંત નવા નાણાકીય વર્ષ માટે વિપક્ષી નેતાની વધારાની 5 લાખની ગ્રાન્ટમાંથી જે કામો સૂચવી દીધા હશે તે તમામ કામો હાથ પર લેવાશે પણ હવે પછી તે ગ્રાન્ટ પણ મળશે નહીં.