Site icon Revoi.in

અમદાવાદમાં પ્રદુષિત અને અપુરતા પાણીના પ્રશ્ને કોંગ્રેસના કાર્યકરોએ મ્યુનિ, કચેરીનો ઘેરાવ કર્યો

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓની નિષ્ક્રિયતાને લીધે પૂર્વ વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થતી હોય છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પૂરતું પાણી મળતું ન હોવાનું તેમજ પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. નાગરિકોએ અગાઉ મ્યુનિ.ના સત્તાધિશોને ફરિયાદો પણ કરી હતી. છતાં પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નહતો. ત્યારે આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના પ્રદર્શનને પગલે દાણાપીઠ ખાતે આવેલી મ્યુનિ. કોર્પોરેશનની ઓફિસે મુખ્ય દરવાજો બંધ કરવાની ફરજ પડી હતી.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અને ખાસ કરીને જ્યાં ગરીબોની વસાહતો છે, તે વિસ્તારમાં પીવાના પાણીની છેલ્લા ઘણા સમયથી ફરિયાદો ઊઠી હતી. સ્થાનિક કોર્પોરેટરોએ પણ રજુઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન હલ થતો નહતો.  અમદાવાદના કેટલાય વિસ્તારોમાં પાણીની લાઇને જૂની પૂરાની થઇ ગઇ હોવાથી ગંદા અને પ્રદૂષિત પાણીની સમસ્યાને કારણે શહેરીજનો ત્રાહીમામ પોકારી જાય છે. કેટલાય વિસ્તારોમાં કેમીકલ, ડ્રેનેજની દુર્ગંધ મારતું પાણી તથા કલરવાળું પાણી આવતું હોવાની સમસ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. પ્રદુષિત પાણીને કારણે શહેરીજનો પાણીજન્ય રોગચાળાનો ભોગ બને છે. અમદાવાદના મક્તમપુરા, ખાડીયા, વટવા. મણીનગર, શાહીબાગ, અસારવા બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, રખિયાલ, કુબેરનગર, શાહપુર, દરિયાપુર, જમાલપુરના મોટા ભાગના વિસ્તારોમાં ટેન્કરરાજ જોવા મળે છે તેમ જ શહે૨ના સાત ઝોનમાં મોટાભાગના વિસ્તારોમાં પ્રદૂષિત પાણી તથા અપૂરતા પ્રેશરની સમસ્યા જોવા મળે છે.ત્યારે કોંગ્રેસના વિપક્ષના નેતા શહેઝાદ ખાનની આગેવાનીમાં વિવિધ વિસ્તારોમાંથી કોંગ્રેસના કાર્યકરો અને લોકો ડોલો લઇ પાણીની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. મોટી સંખ્યામાં લોકો દાણાપીઠ કોર્પોરેશન ખાતે વિરોધમાં ઊમટી પડતાં રસ્તો બ્લોક થઈ ગયો હતો. કાર્યકર્તાઓએ હાય રે ભાજપ હાય.. હાય રે કમિશનર હાય હાય. તેમજ પાણી આપો પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ પાણીની ડોલ તોડી અને વિરોધ કર્યો હતો

આજે કોંગ્રેસ પક્ષ દ્વારા શહેરમાં લોકોને પૂરતું પાણી ન મળતું હોવાના વિરોધ પ્રદર્શન કાર્યક્રમ હતો. જો કે આજે શહેરમાં ચાંદખેડા, જોધપુર સહિતના વોર્ડમાં આંગણવાડીઓનો મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પણનો કાર્યક્રમ હતો. જેમાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના ભાજપના તમામ પદાધિકારીઓ તેમજ ચેરમેન- ડેપ્યુટી ચેરમેન ત્યાં ગયા હોવાથી કોર્પોરેશન ઓફિસમાં કોઈ હાજર હતા નહીં. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘેરાવ અને મેયરના આવેદનપત્રને લઇને કોર્પોરેશનમાં પ્રવેશવાના ત્રણેય ગેટ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મુખ્ય ઓફિસમાં ગેટ પર પણ પોલીસ અને બાઉન્સરો ગોઠવાઈ ગયા હતા.

વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતુ કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરીજનોને રોડ-રસ્તા, ડ્રેનેજ, તથા પીવાના પાણીની સુવિધા મળવી તે શહેરીજનોનો મૂળભુત અધિકાર છે. સત્તાધારી ભાજપ દ્વારા મ્યુનિ.કોર્પો.માં છેલ્લા 10 વર્ષથી 24 કલાક પાણી આપવાના જૂઠ્ઠા વાયદા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા ખૂબ જ ગંભીર છે. શહેરના કેટલાય વિસ્તારોમાં એક કલાક પણ પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી. તેને કારણે પ્રજાને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મ્યુનિ.કોર્પોના વોટર પ્રોજેક્ટ માટે કરોડો રૂ.નું બજેટ ફાળવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરોને કરોડો રૂ.ના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ સમસ્યાનું નિરાકરણ આવતું નથી.