Site icon Revoi.in

કોંગ્રેસના કાર્યકરો જુથબંધી ભૂલીને એક થઈ ભાજપનો સામનો કરવા સજ્જ બનેઃ ભરતસિંહ સોલંકી

Social Share

વડોદરાઃ રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડોદરા  જિલ્લાની ટૂંક સમયમાં આવી રહેલી 289 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ તેમ જ ત્યારબાદ આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે યોજાયેલા જન જાગરણ અભિયાનના કાર્યક્રમમાં  કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકીએ કાર્યકરો અને જિલ્લાના આગેવાનોને શીખામણ આપતા જણાવ્યું હતું કે, જુથબંધી ભૂલીને એક થાવ, સપના જોવા સારી વાત, સપના જોઈશું તો સાકાર થશે. પરંતુ વડોદરામાં એક પણ બેઠક ના આવે અને ગાંધીનગરમાં સરકારની વાતો કરવી શક્ય નથી.

વડોદરામાં જન જાગરણ અભિયાનના કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, લોકો બેકારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારથી પીડિત છે. 2022માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આવશે, રાજ્યમાં ઉજાશ લાવશે. ગાયો પ્લાસ્ટિક ખાઈને જીવે છે, અને આ આખલાઓ ગૌચરની જમીન ખાઈ જાય છે. જ્યારે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ વડોદરા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોને સવાલ પૂછ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડોદરાની એક પણ બેઠક વિધાનસભામાં ન આવે, અને ગાંધીનગરમાં તિરંગો લહેરાવવાની વાત કરીએ તે શક્ય ખરું? સપનું જોવું તે સારી વાત, સપના જોઈશું તો સાકાર થશે. બીજી બાજુ ભરતસિંહ સોલંકીએ વડોદરા કોંગ્રેસ નેતાઓને જૂથબંધી દૂર કરી એકજૂટ થવા હાકલ પણ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, વડોદરા શહેર જિલ્લામાં કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી જીતવી હોય તો આત્મમંથન કરવાની જરૂર છે. આપણા 25 વર્ષ ગયા, જો આત્મમંથન નહિ કરીએ તો બીજા 30 વર્ષ પણ જતાં રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા વડોદરા જિલ્લામાં  જન જાગરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાંકરદા ખાતે પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી સહિતના આગેવાનોની હાજરીમાં સભાસદોની નોંધણીનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના કાર્યકરો ગામોમાં લોકો પાસે જઇ સરકારની નિષ્ફળતા અંગે જાગૃતિ લાવશે.