- પીડિતોને ન્યાય આપવાનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશુઃ મેવાણી,
- કોંગ્રેસના નેતાઓને કેન્ડલ માર્ચ યોજી,
- કોંગ્રેસે ભારત માતા કી જયના નારા લગાવ્યા
રાજકોટઃ કોંગ્રેસ દ્વારા રાજકોટના અગ્નિકાંડ અને વડોદરાના હરણીકાંડ, સહિતના પીડિતોને ન્યાય આપવા માટે મોરબીથી શરૂ થયેલી ન્યાય પદયાત્રા રાજકોટ આવી પહોચી હતી. ન્યાયયાત્રા કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે આવેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત થયાં હતાં ત્યાં ઘટનાસ્થળે પહોંચી હતી. અહીં કોંગ્રેસના નેતાઓએ કેન્ડલ માર્ચ યોજીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ક્રાંતિ દિવસ, એટલે કે 9 ઓગસ્ટને શુક્રવારના રોજ મોરબીથી નીકળેલી ન્યાયયાત્રા ચોથો દિવસે રાજકોટ પહોંચી હતી. આજે ન્યાયયાત્રા કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે આવેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત થયાં હતાં ત્યાં ઘટનાસ્થળે પહોંચી હતી. અહીં કોંગ્રેસના નેતાઓએ કેન્ડલ માર્ચ યોજીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જોકે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં 17 જેટલા પીડિત પરિવારો જોડાયા નહોતા. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, આટઆટલી ઘટનાઓ બાદ રાજ્ય સરકાર કેમ જડ બની ગઈ છે એ સમજાતું નથી.
TRP અગ્નિકાંડના ઘટનાસ્થળેથી ન્યાયયાત્રા રાજકોટના નાગર બોર્ડિંગ ખાતે પહોંચી હતી. અહીં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. રાજકોટના વિરાણી ગ્રાઉન્ડ ખાતે આવેલા નાગર બોર્ડિંગના મેદાન ખાતેથી રાષ્ટ્રધ્વજ હાથમાં રાખી કોંગ્રેસના લાલજી દેસાઈ, પાલ આંબલિયા સહિતનાએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. ત્યારે તેમની સાથે સ્થાનિક કોંગ્રેસના શહેર પ્રમુખ અતુલ રાજાણી, મ્યુનિના વિરોધપક્ષના નેતા વશરામ સાગઠિયા તેમજ ગાયત્રીબા વાઘેલા સહિતનાં જોડાયાં હતાં. આ ન્યાયયાત્રા રાજકોટનાં રસ્તાઓ પર ફરી ચોટીલા જવા રવાના થઈ હતી. હવે ચોટીલા બાદ સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, અમદાવાદ અને છેલ્લે ગાંધીનગર પહોંચશે.
TRP ગેમ ઝોન અગ્નિકાંડના ઘટનાસ્થળે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે આ ઘટનાને 79 દિવસ થયા છે. આટલા દિવસમાં અમે એક જ માગણી કરી રહ્યા છીએ કે એટલિસ્ટ આ કિસ્સામાં ન્યાય મળવો જ જોઈએ. અગાઉની ઘટનાઓમાં ભાજપની સરકારે અને તેના ઇશારે કામ કરતા તપાસ અધિકારીઓએ જે પ્રમાણે ભાંગરો વાટ્યો છે, જેમાં નાની માછલીઓને પકડી લેવી અને મોટા મગરમચ્છોને છોડી દેવા. આ પ્રકારથી ગુજરાતમાં લોકોમાં નારાજગી છે. સમજાતું નથી કે રાજ્ય સરકાર કેમ આટલી બધી જડ બની ગઈ છે. પીડિતોની એકપણ માગણી ન સ્વીકારવી, આ તો કયા પ્રકારનું વર્તન છે એ સમજાતું નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જ્યાં થયો હતો એ જગ્યાએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને હવે અમે ચોટીલા તરફ રવાના થઈશું. ત્યાંથી સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ અને અમદાવાદ થઈને ગાંધીનગર જઈશું અને બાદમાં વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્યના પીડિતોના ન્યાય માટે અવાજ ઉઠાવીશું.