1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોંગ્રેસના પરેશ ધાનાણીએ સાયકલ પર ગેસનો સિલિન્ડર લઈ મતદાન મથકે પહોંચી મતદાન કર્યું
કોંગ્રેસના પરેશ ધાનાણીએ સાયકલ પર ગેસનો સિલિન્ડર લઈ મતદાન મથકે પહોંચી મતદાન કર્યું

કોંગ્રેસના પરેશ ધાનાણીએ સાયકલ પર ગેસનો સિલિન્ડર લઈ મતદાન મથકે પહોંચી મતદાન કર્યું

0
Social Share

અમરેલીઃ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે અમરેલીમાં ગજેરાપરામાં આવેલ શ્રીમતી મંગળાબેન બાલમંદિર ખાતે તેમના પરિવાર સાથે સાયકલ પર જઈને મતદાન કર્યુ છે. ધાનાણીએ સવારે પૂજા-અર્ચન કરીને માતાના આશીર્વાદ લીધા ત્યાર બાદ તેઓ પરિવાર સાથે સાયકલની પાછળ ગેસનો બાટલો, તેલનો ડબ્બો લઇને મતદાન કરવા પહોંચ્યા હતા. આમ તેમણે મતદાન કરતા પહેલાં લોકોને અસહ્ય મોંઘવારીની યાદ અપાવી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીમાં પરેશ ધાનાણીની મોટી દીકરી સંસ્કૃતિએ પહેલીવાર મતદાન કર્યું હતુ. તે પણ સાઇકલ પર તેલનો ડબ્બો લઇને પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કરવા પહોંચી હતી. આ સાથે તેમના માતા, પત્ની, અન્ય દીકરી અને તેમના ભાઇ શરદભાઈ અને તેના પત્ની પણ મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં 27 વર્ષથી સતત ભાજપના રાજમાં ગુજરાત બેહાલ થઈ ગયું છે. રાજ્યમાં આજે ગરીબના ઘરે બે ટાઈમ ચૂલો સળગાવવાની સમસ્યા છે. મોદી સાહેબની મહેરબાનીથી રાજ્યમાં આજે ગેસ નો બાટલો રૂ. 1120 નો થયો છે. પેટ્રોલ ડીઝલ પણ રૂ.100 ને પાર થયું છે. તેલનો ડબ્બો રૂ.3000 ને પાર પહોંચી ગયો છે. ગરીબોને ઘરે વઘાર કેમ કરવો એની ચિંતા સતાવી રહી છે. ત્યારે રાજ્યમાં મંદી, મોંઘવારીમાંથી ગુજરાતની જનતાએ મુક્ત થવા, અત્યાચાર અને ભ્રષ્ટાચારના શાસનમાંથી લોકોએ મુક્તિ મેળવવા આજે ખુબજ સમજી વિચારીને મતદાન કરવાની અપીલ કરૂ છું.

તેમણે વધુમાં જમાવ્યું હતું કે, અમારો મત મંદી, મોંઘવારી, બેરોજગારી, નફાખોરી અને કાળાબજારીને હરાવવા, પોતાનું સ્વાભિમાન બચાવવા તેમજ અત્યાચાર અને ભ્રષ્ટાચારના શાસનમાંથી મુક્તિ માટે આપ્યો છે. ત્યારે રાજ્યના મતદારોને વિનંતી કરતા કહ્યું હતું કે આપ પણ આપનાં સ્વાભિમાનને બચાવવા માટે, શાસકોના અહંકારને ઓગાળવા મતદાન કરજો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code