ગુજરાત વિધાનસભાનીચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસની પરિવર્તન યાત્રાનો 31મીથી પ્રારંભ થશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત હવે એકાદ અઠવાડિયામાં થઈ જશે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. અને હાલ ઉમેદવારોની પસંદગી માટેની મથામણ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીએ તો ઘણીબધી બેઠકોના ઉમેદવારોના નામ જાહેર પણ કરી દીધા છે. ભાજપના પ્રચારનું સુકાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રિય નેતાઓએ સંભાળી લીધું છે. મતદારોને રિઝવવા માટે તમામ પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આગામી તા. 31મી ઓક્ટોબરથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાશે. તમામ વિધાનસભાની બેઠકો આવરી લેવાશે. કોંગ્રેસના કેન્દ્રિય નેતાઓ ચૂંટણી પ્રચાર માટે પરિવર્તન યાત્રામાં ભાગ લેશે
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આમ આદમી પાર્ટીએ તો 73 ઉમેદવારો પણ જાહેર કરી દીધાં છે. જ્યારે ભાજપે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. કોંગ્રેસે પણ ઉમેદવારોની ફાયનલ યાદી તૈયાર કરી દીધી છે. કેન્દ્રિય ચૂંટણી સમિતિ મંજુરીની મહોર મારે કે તરત જ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. કોંગ્રેસના સીટિંગ ધારાસભ્યોએ તો વ્યક્તિગત રીતે ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 31 ઓક્ટોબરથી ગુજરાતના 5 ઝોનમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા ફરશે. આ પાંચય ઝોનમાં પરિવર્તન યાત્રાને કોંગ્રેસના હાઈકમાન્ડના નેતાઓ પ્રસ્થાન કરાવશે.
ગુજરાતના પાંચ ઝોનમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં અશોક ગેહલોત પાલનપુરથી ઉત્તર ગુજરાતની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરાવશે. ભૂપેશ બઘેલ ફાગવેલથી મધ્ય ગુજરાતની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરાવશે. તેમજ દિગ્વિજય સિંહ નખત્રાણાથી સૌરાષ્ટ્રની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ પ્રારંભ કરાવશે. જ્યારે કમલનાથ સોમનાથથી સૌરાષ્ટ્રની બીજી પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરાવશે. મુકુલ વાસનિક જંબુસરથી દક્ષિણ ગુજરાતની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરાવશે. કોંગ્રેસની પાંચ પરિવર્તન સંકલ્પ યાત્રા ગુજરાતની 175 વિધાનસભા બેઠકમાં ફરશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓને મલ્લિકાર્જુન ખડગે તરફથી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. ઉમેદવારોના નામને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. આગામી સમયમાં ગુજરાત મુલાકાતે આવવાની ખડગેએ તૈયારી દર્શાવી છે. 29 ઓક્ટોબરે ખડગે ગુજરાતના પ્રવાસે આવી શકે છે. અગાઉ 19 ઓક્ટોબરે ગુજરાત કોંગ્રેસની દિલ્હીમાં સ્ક્રીનીંગ કમિટી મળી હતી. જેમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. કોંગ્રેસ પક્ષે જે બેઠકો ગત ચૂંટણીમાં પાતળી બહુમતીથી હારી હતી તેના પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને ખાસ કરીને તેમાં સ્થાનિક હારેલા ધારાસભ્યો કે જેઓ હજુ કોંગ્રેસ સાથે જ છે તેઓને ખાસ તેમના હારના કારણો જોઇને તેમાં સુધારો કરવા અને આગામી ચૂંટણીમાં આ બેઠકો પર ફાઈટ આપી શકાય તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારને પણ કેમ ડીસ્કાઉન્ટ કરી શકાય તે જોવા માટે જણાવાયું છે.(file photo)