કોંગ્રેસના પ્રતિભા સિંહે મંડીથી ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, કંગના રનૌત પર શું બોલ્યા પૂર્વ સીએમના પત્ની?
શિમલા: હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં બધું ઠીક દેખાય રહ્યું નથી. રાજ્યમાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ પ્રતિભા સિંહે ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. પ્રતિભા સિંહ મંડી બેઠક પરથી સાંસદ છે. ભાજપે આ વખતે મંડીથી મશહૂર અભિનેત્રી કંગના રનૌતને ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. મંડી બેઠક હિમાચલ પ્રદેશની હાઈપ્રોફાઈલ બેઠક છે. આ બેઠક પરથી પ્રતિભા સિંહ ત્રણ વખત સાંસદ બની ચુક્યા છે.
બુધવારે પત્રકારોએ પ્રતિભા સિંહને સવાલ કર્યો કે શું તેઓ મંડીથી ચૂંટણી લડશે, તેના પર કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કહ્યું કે બિલકુલ નહીં, બિલકુલ નહીં, મેં હાઈકમાન્ડને પોતાની વાત જણાવી દીધી છે. હવે હાઈકમાન શું નિર્ણય કરે છે, તેના પર બધું નિર્ભર કરે છે. પ્રતિભા સિંહે સ્પષ્ટપણે કહ્યું છે કે તેમણે ચૂંટણી નહીં લડવાની વાત હાઈકમાન્ડ સુધી પહોંચાડી દીધી છે. તેમણે ચૂંટણી લડવાના સવાલ પર બે વાર બિલકુલ નહીં કહીને દ્રઢનિર્ધાર પણ દર્શાવ્યો છે.
કંગના રનૌત પર શું બોલ્યા?-
કંગના રનૌતને લઈને પ્રતિભા સિંહે કહ્યું છે કે તે તો ભાજપના ઉમેદવાર છે, ભાજપે તેમને ફીલ્ડમાં ઉતાર્યા છે. ઠીક છે, જે પણ હશે. અમે સામનો કરીશું. પ્રતિભાને સવાલ કરવામાં આવ્યો કે કોંગ્રેસના ઘણાં નેતા ભાજપમાં શા માટે સામેલ થઈ રહ્યા છે? તેના પર તેમણે કહ્યું કે હવે આના પર મંથન કરવું પડશે. અમે એ કોશિશ કરીશું કે સારા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવે અને કોંગ્રેસને વિજયી બનાવીએ.
સુપ્રિયા શ્રીનેત પર પણ બોલ્યા-
કંગના રનૌત પર વિવાદીત પોસ્ટ કરનારા કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેત સંદર્ભે જ્યારે પ્રતિભા સિંહે સવાલ કર્યો,ત્યારે તેમણે કહ્યું કે મારે તેમના પર કોમેન્ટ કરવી નથી. તેમણે શું કહ્યું એ મને ખબર નથી. હું કોઈ અન્યની ટીપ્પણી પર કોઈ કોમેન્ટ કરવા માંગતી નથી. મહત્વપૂર્ણ છે કે ભાજપે કંગના રનૌતને મંડી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. આ ઘોષણા બાદ સુપ્રિયા ઘશ્રીનેતના એક્સ હેન્ડલ પરથી એક વિવાદીત પોસ્ટ કરવામાં આવી.
કોંગ્રેસે હજી કોઈપણ બેઠક પર અહીં ઉમેદવારોની ઘોષણા કરી નથી. પ્રતિભા સિંહ આનાથી પહેલા પણ એકવાર ચૂંટણી લડવાનો ઈન્કાર કરી ચુક્યા છે. તેઓ હિમાચલ પ્રદેસમાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ છે. એવું જણાવાય છે કે વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ મુખ્યમંત્રી નહીં બનાવવા પર પ્રતિભાસિંહ હાઈકમાન્ડથી નાખુશ હતા. કેટલાક સમય પહેલા પ્રતિભા સિંહના પુત્ર વિક્રમાદિત્યસિંહ સીએમ સુખવિંદરસિંહ સુક્ખૂ પર ઘણાં આરોપ લગાવીને મંત્રી પદ પરથી રાજીનામું આપી ચુક્યા હતા.