નવી દિલ્હીઃ ભારતીય રાજનીતિમાં ઈઝરાયલી સોફ્ટવેર પેગાસસથી કથિત જાસુસી પ્રકરણથી ફરીથી ગરમાવો આવી ગયો છે. એમેરિકા મીડિયાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 2017માં એક રક્ષા સોદામાં ભારતે ઈઝરાયલ પાસેથી પેગાસસ ખરીદ્યું હતું. આ ડીલ લગભગ 15 હજાર કરોડમાં થઈ હતી. પેગાસસ ઈઝરાયલની કંપની એનએસઓએ બનાવ્યું છે. ગયા વર્ષે એક મીડિયા હાઉસના પત્રકાર, કેન્દ્રીય મંત્રીઓ અને સામાજીક કાર્યકરોના કોલ રેકોર્ડિંગના દાવો કરાયો હતો. રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, કેન્દ્ર સરકારે પેગાસસ મારફતે 300 ફોન નંબર ટેપ કરવામાં આવ્યાં હતા. જેમાં રાહુલ ગાંધી અને પ્રશાંત કિશોરનો પણ સમાવેશ થાય છે. પેગાસસનો મામલો ફરીથી સામે આવતા કોંગ્રેસે આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. તેમજ તેમની સામે કાર્યવાહી કરવાની લોકસભાના સ્પીકરને માંગણી કરી હોવાનું જાણવા મળે છે.
લોકસભાના કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે. જેમાં અશ્વિની વૈષ્ણવ સામે વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવાની માંગણી કરી છે. તેમજ વૈષ્ણવએ સદનને ગેરમાર્ગે દોરવાના આક્ષેપ સાથે તેઓ જુઠ્ઠુ બોલ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. પત્રમાં લખ્યું છે કે, સરકાર હંમેશા સદનમાં કહેતી આવી છે કે પેગાસસથી તેમને કોઈ લેવા-દેવા નથી અને તેમણે એનએસઓ પાસેથી સોફ્ટવેરની ખરીદી કરી નથી. પરંતુ મીડિયા રિપોર્ટના ખુલાસાથી લાગે છે કે, સરકારે સદનને ગુમરાહ કરીને જનતા સમક્ષ જુઠ્ઠુ બોલી છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કર્યાં છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, મોદી સરકારે લોકતંત્રની પ્રાથમિક સંસ્થાઓ, રાજકીય નેતાઓ અને જનતાની જાસુસી કરવા માટે પેગાસસ ખરીદ્યું છે. ફોન ટેપ કરીને સત્તા પક્ષ, વિપક્ષ, સેના, ન્યાયપાલિકા તમામને નિશાન બનાવ્યાં છે. આ દેશદ્રોહ છે, મોદી સરકારે દેશદ્રોહ કર્યો છે. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગત 19મી જુલાઈ 2021ના રોજ લોસસભામાં પેગાસસ મામલે સરકારનો પક્ષ રાખ્યો હતો. તેમણે જાસુસી સોફ્ટવેરના ઉપયોગને નકાર્યો હતો.