અમદાવાદઃ દેશની પશ્ચિમ કચ્છ સરહદે ફરજ બજાવતાં સૈનિકો સુધી કનેકટીવીટી સુદ્ઢ બને તે અત્યંત જરૂરી છે તે માટેની ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. તેમ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે ભુજ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.
ભુજ ખાતે ધી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કચ્છના ઉપક્રમે કેન્દ્રિય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણનું વકતવ્ય તેમજ સન્માન સમારોહ યોજાયો હતો. “લાસ્ટ માઈલ કનેકટીવીટી” વિષય પર વકતવ્ય આપતાં કેન્દ્રિય સંચાર રાજયમંત્રી દેવસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આજના યુગમાં કનેકટીવીટીનું ખુબજ મહત્વ છે. આપણો દેશ લોકશાહી દેશ છે. લોકશાહીને ટકાવી રાખવા માટે છેવાડાના માનવી સુધી કનેકટીવીટી જરૂરી છે. દેશમાં 5G ટેકનોલોજી કાર્યરત કરવા ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે. કચ્છમાં હવાઇ, રેલવે, વગેરે વધુ ઝડપી સેવા માટે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સાથે ચર્ચા વિચારણા કરી ઝડપી કાર્યવાહી કરવામાં આવશે.
આ પ્રસંગ્રે વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, કચ્છ માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નર્મદાના વધારાના વહી જતાં એક મિલિયન એકર ફુટ પાણી કચ્છ જિલ્લા માટે ફાળવવાની રૂ. 4369 કરોડની યોજનાને વહીવટી મંજુરી આપી છે.
પૂર્વ રાજયમંત્રી અને અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, ધોળાવીરા, જેસલ તોરલ સમાધી અંજાર, માતાનો મઢ, વગેરે સ્થળોને પ્રવાસન કેન્દ્રો તરીકે વિકાસ કરવા સરકાર ખુબજ પ્રયત્નશીલ છે. કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે કચ્છના વિકાસમાં ખુબજ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
(Photo-File)