અમદાવાદ: ગત વર્ષે શાળાની ફીમાં 25 ટકાનો ઘટાડો કર્યા બાદ રાજ્ય સરકાર આ વર્ષે પણ શાળા ફીમાં થોડો ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે. સરકાર આ વર્ષે પણ વિદ્યાર્થીઓના વાલીઓને રાહત આપવાના હેતુસર શાળાઓની ફી ઘટાડવાનો વિચાર કરી રહી છે. આ ઘટાડો કોવિડ પહેલા શાળાની જે ફી હતી તેના પર 10 ટકા થી 15 ટકાની રેન્જમાં હશે. જોકે આ બાબતે અંતિમ નિર્ણય સરકાર તમામ મંડળો સાથે વાત કર્યા બાદ લેશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સુત્રોના જણાવ્યા મુજબ કોરોનાના કેસ ઘટતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ પણ શરૂ થઈ ગયુ છે. વાલી મંડળો ફીમાં રાહત આપવાની મંગણી કરી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલકોને સમજાવીને ફિમાં ઘટાડો કરવાની વિચારણા ચાલી રહી છે. રાજ્યમાં 20,000 જેટલી સ્વનિર્ભર શાળાઓ છે જે સરકારના આ નિર્ણયથી પ્રભાવિત થશે,
ગુજરાતની સ્વનિર્ભર સ્કૂલ મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ જતિન ભરાડના જણાવ્યા મુજબ, તેમની સાથે સંકળાયેલી શાળાઓ કોવિડ -19 ના કારણે જેમના માતા-પિતાનું મોત નીપજ્યું છે તેવા વિદ્યાર્થીઓની ફી ઓછી કરી દીધી છે. તેમણે કહ્યું કે શાળાઓએ એવા વિદ્યાર્થીઓને કેસ-ટુ-કેસ આધારે રાહત આપવા પણ વિચારી રહી છે કે જેમના પરિવારો આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, રાજ્ય સરકારે તમામ ખાનગી શાળાઓને શૈક્ષણિક વર્ષ 2020-2021 માટે વાર્ષિક શાળા ફી 25 ટકા ઘટાડવા નિર્દેશ આપ્યો હતો. આ પગલાથી 30 લાખથી વધુ બાળકોનાં માતા-પિતાને રાહત મળી હોવાની અપેક્ષા છે. રાજ્યની તમામ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓના વાલીઓના પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે ગુજરાત હાઇકોર્ટે આ મામલે દખલ કરવાનો ઇનકાર કર્યો હતો અને રાજ્ય સરકારને શાળા ફીમાં ફેરફાર કરવા માટે નિર્ણય લેવા જણાવ્યું હતું. જે બાદ રાજ્ય સરકારે 25 ટકા ફી ઘટાડવા અંગે નિર્ણય કર્યો હતો.