Site icon Revoi.in

સુરતમાં ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલું હીરાનું અદ્યતન રિસર્ચ સેન્ટર બનાવવાની વિચારણા

Social Share

અમદાવાદઃ વિશ્વનું ડાયમંડ હબ ગણાતા સુરતમાં વિદેશી બાયર્સ આકર્ષાય એ હેતુથી સુરત ડુમસ રોડ સ્થિત અવધ યુટોપિયા ખાતે સુરત ડાયમંડ એસોસિએશન આયોજિત ત્રિદિવસીય લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્ષ્પો’ને કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલાના હસ્તે ખુલ્લું મુકાયું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, સુરતમાં ડાયમંડ ઉદ્યોગના થઇ રહેલા અપ્રતિમ વિકાસથી સમગ્ર દુનિયાએ ભારત તરફ જોવાની દ્રષ્ટિ બદલી છે. હાલ આયુર્વેદ, ડિઝાસ્ટર અને સોલાર એલાયન્સ જેવા મુખ્ય વિભાગોના કેન્દ્ર ભારતમાં છે, ત્યારે ડાયમંડ ક્ષેત્રને પણ આ સિદ્ધિ હાંસલ થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વધુમાં કહ્યું કે, ડાયમંડનો વ્યાપાર એ ભરોસાથી ચાલતો વ્યવસાય છે, ત્યારે સુરતના તમામ ભરોસેમંદ વ્યાપારીઓએ તેનું સાર્થક ઉદાહરણ પુરૂ પાડ્યું છે. મંત્રીએ દુનિયાભરમાં યોજાતી વિવિધ ક્ષેત્રોની તમામ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ માફક સુરત શહેર ડાયમંડ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય ઇવેન્ટની યજમાની કરવા ઉપરાંત સુરતમાં ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલું હીરાનું અદ્યતન રિસર્ચ સેન્ટર બનાવવા સૂચન કર્યું હતું.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરત ડાયમંડ બુર્સને સૌથી ઉમદા જનભાગીદારીનો પ્રોજેક્ટ ગણાવતા કહ્યું કે, ડાયમંડ બુર્સ હીરા સહિત અન્ય ક્ષેત્રોના વિકાસમાં નિમિત્ત બનશે. ડાયમંડ બુર્સની સુરક્ષા હેતુ ટૂંક સમયમાં ખજોદ ખાતે બિલ્ડિંગ નજીક ગુજરાતનું સૌથી હાઈટેક પોલીસ સ્ટેશન બનાવાશે. વધુમાં તેમણે કહ્યું કે, સુરતના ડાયમંડ વેપારીઓની  અન્ય રાજ્યના વ્યાપારીઓ કે અસામાજિક તત્વો દ્વારા થતી છેતરપિંડીના કેસો અથવા નાણાકીય લેણદેણના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ગુજરાત પોલીસ દ્વારા એક ખાસ ટીમ બનાવવામાં આવશે. આ સંદર્ભે તેમણે સુરત ડાયમંડ એસોસિએશન સાથે સંકલન કરી આ પ્રકારની અરજીઓ પહોંચતી કરવાનું સૂચન કર્યું હતું.

કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, સુરત ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગનું હબ બન્યું છે. તેમજ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં ગુજરાત રાજ્ય દેશમાં મોખરે રહ્યું છે. સુરતમાં લૂઝ અને નેચરલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડની જ્વેલરી બને તેમજ સ્વદેશી પ્રોડક્ટનું માર્કેટ આપણી પાસે રહે તેવા હેતુથી સુરતમાં આ ડાયમંડ અને જ્વેલરી એક્ષ્પો યોજાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.