Site icon Revoi.in

વડોદરાની એમએસ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓની એક સાથે જ પરીક્ષા લેવા વિચારણા

Social Share

વડોદરાઃ એમએસ યુનિવર્સિટીમાં આ વર્ષે જીકાસ પોર્ટલના માધ્યમથી કોમન એડમિશન અપાયા બાદ હવે તમામ ફેકલ્ટીઓની એકસાથે પરીક્ષા લેવામાં આવે તેના માટે પ્રસ્તાવ મૂકાયો છે. આ ઉપરાંત પરિણામો પણ સમયસર જાહેર કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે જી-કાસના માધ્યમથી કોમન પ્રવેશ પ્રક્રિયા કરાઈ હતી જેથી અનેક સમસ્યાઓ ઉભી થઇ હતી અને વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી હતી. હવે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા તમામ ફેકલ્ટીઓની પરીક્ષાઓ એકસાથે લઇ શકાય કે કેમ તે વિષય પર વિચારણા કરવામાં આવી છે. અને તેનો ટુંકમાં નિર્ણય લેવામાં આવશે.

વડોદરાની એમએસ યુનિ. દ્વારા હવે તમામ ફેકલ્ટીઓની એકસાથે પરીક્ષા લેવા માટેનો પ્રસ્તાવ શરૂ કરાયો છે. અને આ અંગે તમામ ફેકલ્ટી ડીનનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. અને અભિપ્રાય મળ્યા બાદ પરીક્ષાઓનું સમયપત્રક તૈયાર કરીને જાહેર કરી દેવામાં આવશે. જોકે ઘણી બધી ફેકલ્ટીઓમાં પ્રવેશ પ્રક્રિયા બાદ હજુપણ સત્રની શરૂઆત થઇ નથી જેથી તેવી ફેકલ્ટીઓમાં અભ્યાસક્રમ ચલાવવામાં વિલંબ થઇ શકે તેમ છે. જેથી એક સાથે તમામ જગ્યાઓ પર પરીક્ષા લઇ શકાય તેવી શકયતાઓ નથી. આ ઉપરાંત પરિણામો સમયસર જાહેર કરવા માટે આદેશ અપાયો છે. યુનિના સત્તાધિશોએ પીએચડીના કોર્સ વર્ક પણ સમયસર પૂરી કરી શકાય તે માટે તાકીદ કરાઇ છે. નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓની હાજરી 75 ટકા રહે તે માટે પણ ફેકલ્ટી ડીનને સૂચન કરાયું છે. યુજીસીના નિયમ પ્રમાણે છાત્રોની હાજરી 75 ટકા જરૂરી છે. જોકે કોમર્સમાં હાજરી લેવાતી નથી.

સૂત્રોના કહેવા મુજબ  એસએમ યુનિવર્સિટીમાં કોન્ટ્રાકચ્યુએલ બેઝ પર 5 વર્ષની મુદત માટે હંગામી શિક્ષકોની ભરતી કરવામાં આવતી હોય છે. જોકે તેની મુદત ઘટાડવા માટે પણ વિચારણા કરવામાં આવી છે. ત્યારે 5 વર્ષના કોન્ટ્રાકટ પર કામ માટે તૈયાર થતાં શિક્ષકોની મુદત ઘટાડવામાં આવશે તો તેવા કિસ્સામાં શિક્ષકોની સંખ્યા ઘટી શકે છે.