સુરતઃ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલને બદનામ કરવા માટે થઈને કાવતરુ કરવામાં આવતા આ અંગે ધારાસભ્ય સંદીપ દેસાઈએ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે. ચૂંટણી ફંડના દૂર ઉપયોગના મુદ્દાની પત્રિકા ફરતી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં પણ એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ફંડના દુરુપયોગ અંગેના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સામે ગંભીર આરોપો સાથે સુરતમાં પત્રિકા ફરતી કરવામાં આવી હતી. તેમજ સોશિયલ મીડિયામાં પણ વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ મામલામાં ધારાસભ્ય સંદિપ દેસાઈને સંડોવવામાં આવ્યા હતા. તેથી સંદિપ દેસાઈએ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે ત્રણ વ્યક્તિઓની સામે ગુનો નોંધીને બે વ્યક્તિઓની અટક કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત ચોર્યાઈના ધારાસભ્ય સંદીપ દેસાઈ, અન્ય ધારાસભ્ય અને મંત્રી વિરુદ્ધ ગંભીર આરોપો લગાવતી પત્રિકા ફરતી કરાઈ હતી. જે મામલે ધારાસભ્ય સંદીપ દેસાઈએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત મંત્રી અને ધારાસભ્યોને બદનામ કરવાના ઇરાદા સાથે ફરતી કરાયેલી આ પત્રિકામાં સંદીપ દેસાઈએ 3 યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સંદીપ દેસાઈની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચાર માટે અપાયેલા કે ઉઘરાવાયેલા ફંડનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપો સાથે પેન ડ્રાઈવમાં પત્રિકા ફરતી કરવામાં આવી હતી. આ પત્રિકા ગુજરાતના ભાજપના વગદાર નેતાઓ તથા સંગઠનમાં મહત્વનો હોદ્દાઓ ધરાવનારાઓને પેન ડ્રાઈવ પહોંચાડવામાં આવી હતી. આ પેન ડ્રાઈવમાં સુરતના ધારાસભ્ય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશના અધ્યક્ષ દ્વારા ફંડમાં ગોલમાલ કરવાનો આરોપ લગાવીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે પત્રિકા દ્વારા બદનામી કરવાના કાવતરામાં દિપુ યાદવ, રાકેશ સોલંકી અને ખુમાનસિંહ નામના ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોધી છે. આ ત્રણેય આરોપીઓએ પત્રિકા બનાવી ભરૂચ અને પાલેજથી બાય પોસ્ટ અન્ય મોટા નેતાઓને અને જુદી જુદી જગ્યાએ મોકલી આપી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસે વિવાદિત પેન ડ્રાઈવ જેની અંદર અનેક ડોક્યુમેન્ટ જોવા મળ્યા છે. આ પેન ડ્રાઇવની અંદર સી. આર પાટીલ , સાંસદ પ્રભુ વસાવા અને સંદીપ દેસાઈ સહિત અન્ય ધારાસભ્યો અને મંત્રીને બદનામ કરવા સાથેના અનેક ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. પોલીસે હાલ તો આ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.