સુરેન્દ્રનગરઃ શહેર નજીક અમદાવાદ તરફ જતી બ્રોડગેજ લાઈન પરની રેલવે ટ્રેક પર કોઈ તોફાની તત્વોએ મોટા પથ્થરો મુકીને ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ટ્રેનના પાયલટની સતર્કતાને કારણે ટ્રેન અટકાવી દેતા મોટો અકસ્માત ટળ્યો હતો. આ મામલે પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કરીને પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર -અમદાવાદ રેલ રૂટ સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતો હોવાથી આ ટ્રેક પર 24 કલાકમાં 80થી વધુ પેસેન્જર ટ્રેન પસાર થાય છે. સુરેન્દ્રનગર પાસે ટ્રેક પર અજાણ્યા શખસ દ્વારા મોટા પથ્થરો મૂકવાની ઘટના રેલવે કર્મચારીના ધ્યાને આવી હતી. સુરેન્દ્રનગર- બાળા અપલાઇન પર એન્જિન પાઇલોટની સતર્કતાથી મોટો અકસ્માત ટળી ગયો હતો. આ બનાવમાં અજાણ્યા શખસો સામે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ ઘટનાને પણ ખૂબ ગંભીરતાથી લેવામાં આવી છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દ્વારકા, ગીરસોમનાથ સહિતના જિલ્લાઓને અમદાવાદ મુંબઇ સાથે જોડતી ટ્રેનો આ રૂટ પરથી ચાલે છે. આ લાઇન પર દૈનિક 80થી વધુ પેસેન્જર ટ્રેઇનો અને એટલી જ સંખ્યામાં ગુડ્સ ટ્રેનો પસાર થાય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગરથી અમદાવાદ જતાં સુરેન્દ્રનગર બાળા રોડ પાસે રેલવેના કેએમ નંબર 622/7-9 પાસે કોઇ અજાણ્યા શખસોએ પથ્થરો મૂકી દેતા ખળભળાટ મચી ગયો હતો. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના રેલવે સિનિયર સેકશન એન્જિનયર ભાવિન પરમારે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ લોકો પાઇલોટ રાજેશકુમાર લાઇટ એન્જિનને લઇ સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ જઇ રહ્યા હતા. ત્યારે 13 જૂને સાંજના 7 વાગ્યાની આસપાસ ટ્રેક પર પથ્થરો જોતા ઇમરજન્સી બ્રેક લગાવી છતાં પહેલો પથ્થર અથડાતા એન્જિનના આગળના ભાગને નુકસાન થયું હતું. આસિસ્ટન્ટ લોકો પાયલોટની મદદથી પથ્થરો હટાવીને ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. આવી ઘટનાથી મોટી દુર્ઘટના થવાની શકયતા રહેલી હોય તેમજ રેલવે યાત્રીઓના જીવને જોખમ ઊભું થાય તેવો ખતરો હોય. જેથી અજાણ્યા શખસો સામે ગુનો નોંધાતા વધુ તપાસ પીએસઆઈ એમ.બી.વિરજા ચલાવી રહ્યા છે.