ગુજરાતના યુવાનોને કટ્ટરવાદી બનાવવાના કાવતરાનો પર્દાફાશ, બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો
અમદાવાદઃ ગુજરાત ATSએ અલ-કાયદા ઈન્ડિયા સાથે જોડાયેલા એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો છે. ATSએ આ ઓપરેશન દરમિયાન સોજીબ નામના બાંગ્લાદેશીને અન્ય શકમંદો સાથે પકડી પાડ્યો છે. એટીએસની ટીમે આ શંકાસ્પદોની ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી છે. એટીએસની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના એલર્ટ બાદ ગુજરાત ATSએ આ કાર્યવાહી કરી હતી. IBએ આતંકવાદી હુમલા અંગે એલર્ટ જાહેર કર્યું હતું, ત્યારબાદ ATSની ટીમ એક્શનમાં આવી હતી અને સમયસર આતંકી સંગઠનના ઓપરેટિવ્સને પકડી લીધા હતા. બાંગ્લાદેશમાં બેઠેલા આંતકી આકાઓ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું.
ગુજરાત ATSએ નારોલમાં ત્રણ શકમંદોને ઝડપી લીધા હતા. એટીએસની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ તમામ બાંગ્લાદેશી હતા. આ શખ્સો બાંગ્લાદેશમાં તેમના હેન્ડલર્સની મદદથી ગુજરાતના યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બાંગ્લાદેશથી ઓપરેટ થતી આ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે વિદેશમાંથી ફંડિંગ થતું હોવાનું પણ ગુજરાત ATSને જાણવા મળ્યું છે. હવે ગુજરાત પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. બાંગ્લાદેશમાં બેઠેલા આકાઓના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા. વિદેશમાંથી આતંકવાદી ભંડોળ એકત્ર કરવાના પુરાવા પણ મળ્યા છે. આ ગેંગ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
ગુજરાત પોલીસ ત્રણેય બાંગ્લાદેશીઓની હાજરીની તપાસ કરી રહી છે. ગુજરાત પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આતંકવાદીઓ રાજ્યમાં કેવી રીતે પ્રવેશ્યા. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ આતંકવાદી સંગઠનમાં ગુજરાતના અન્ય લોકો પણ સામેલ છે કે કેમ. આ સંગઠને ગુજરાતના કેટલા યુવાનોને ફસાવ્યા છે. આતંકવાદી સંગઠનનું નેટવર્ક દેશના કયા કયા રાજ્યોમાં ફેલાયું છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે શકમંદોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના શખ્સો સાથે મળીને આ ષડયંત્ર રચવામાં આવતુ હોવાનું ખુલ્યુ છે. વિદેશથી ભંડોળ મેળવીને આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ છે. એટીએસની ટીમે સમગ્ર કાવતરામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી છે.