- કોન્સ્ટેબલની નંબર પ્લેટ વિનાની કાર મહત્વની કડી બની,
- ટેકનિકલ સર્વેલન્સથી મોબાઈલ ટ્રેસ કરાયો,
- ફાસ્ટટેગની મદદથી પંજાબનું લોકેશન મેળવાયું
અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં કાર ધીમી ચલાવવાનું કહેતા કારચાલકે ઉશ્કેરાઈને છરીના ઘા ઝીંકીને માઈકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની કરપીણ હત્યા કરી હતી. ગઈ તા. 10મી નવેમ્બરે બનેલા આ બનાવ બાદ કારચાલક પલાયન થઈ ગયો હતો. પોલીસે આ કેસમાં ટેકનિકલ સર્વેલન્સ તેમજ જુદી જુદી તપાસ થીયરી અપનાવતા આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા નીકળ્યો હતો. પોલીસે પંજાબથી આરોપીની ધરપકડ કરી હતી. અને અમદાવાદ લાવીને આરોપી વિરેન્દ્ર પઢેરિયાને ઘટના સ્થળે લઈ જઈને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, આરોપીને દોરડે બાંધીને લવાતા આરોપીને જોવા લોકોના ટોળા જામ્યા હતા.
શહેરના બોપલ વિસ્તારમાં માઈકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની નજીવી વાતે હત્યા કરાતા લોકોમાં પણ હત્યારા સામે આક્રોશ ઊભો થયો હતો. અને હત્યારાના પકડવા માટે દબાણ ઊભુ થયું હતું. પોલીસે પણ હત્યારાને પકડવા માટે આકાશ-પાતાળ એક કરીને તમામ સોર્સ કામે લગાડ્યા હતા. અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આ કેસમાં નંબર પ્લેટ વિનાની કાર જ મહત્વની કડી સાબિત થઈ હતી. આરોપીની હેરિયર કારની જે તસવીરો સામે આવી એમાં નંબર પ્લેટ જોવા મળી હતી. ત્યારે હવે આ નંબર પ્લેટનું રહસ્ય વધુ ઘેરું બન્યું હતુ. પોલીસને શેકા ગઈ હતી. શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબના સંગરૂરથી ધરપકડ કરવામાં આવી છે.
બોપલ હત્યાકાંડમાં પોલીસ વિભાગે માત્ર 48 કલાકમાં પોતાના જ વિભાગના આરોપી કર્મચારીને પંજાબથી ઝડપી પાડ્યો છે. હત્યામાં મોબાઇલ ટાવર અને કોલ લોકેશનને આધારે અપરાધીને ઝડપી લેવામાં આવ્યો છે. મર્ડર બાદ પોલીસ દ્વારા મિત્રના સ્ટેટમેન્ટના આધારે બ્લેક કલરની ગાડી પર પહેલું ધ્યાન હતું. પહેલા તબક્કામાં કાળા કલરની ત્રણ કાર ધ્યાન આવી હતી. જેમાં બે ક્રેટા અને એક હેરિયર ગાડી હતી. બે ક્રેટાની તપાસ કરતા તેમાં કંઇ શંકાસ્પદ ન મળ્યું, હવે પોલીસ સામે એક હેરિયર કાર શંકાના ઘેરામાં હતી. આ ગાડી ઉત્તર દિશામાં ગઇ હતી. તેની તપાસ શરૂ કરી હતી.પોલીસે આ વિસ્તારમાં મર્ડરના સમયના 4થી 5 કલાકના એક્ટિવ મોબાઇલ નંબરનો ડેટા એકઠાં કર્યો. પોલીસને અંદાજ હતો કે મર્ડર કર્યા બાદ હત્યારો શહેરમાં રહેશે નહીં. તેથી પોલીસે ત્યારબાદ જૂના મોબાઇલના ડેટાને ફરી તપાસ કરાવી કે ક્યા નંબર શહેરની બહાર ગયા. તે દરમિયાન અમુક નંબરોની તપાસ કરાઇ. જેમાં સરખેજના પોલીસ કર્મચારી વીરેન્દ્રસિંહ પઢેરિયાનું નામ આવ્યું. ફાસ્ટેગની મદદથી પોલીસને પઢેરિયાના ગુજરાતથી પંજાબ સુધીના સમગ્ર રૂટની જાણકારી મળી હતી. પોલીસે તેના ભૂતકાળની તપાસ કરી તો જાણવા મળ્યું કે બાવળામાં કોલ સેન્ટરના કેસમાં તે પકડાયેલો હતો. કોલ સેન્ટર કેસમાં તેની સાથે પંજાબ અને હરિયાણાના લોકો પણ સંડોવાયેલા હતા.