- દેશ ‘ઝનૂન નહીં કાનૂન’થી ચાલે: કર્ણાટક હાઈકોર્ટ
- દેશમાં બંધારણ સર્વોપરી: કર્ણાટક હાઈકોર્ટ
- વિવાદ પર હાઈકોર્ટનું સ્ટેટમેન્ટ
બેંગ્લોર: ઉડુપીની સરકારી પીયુ મહિલા કોલેજની છ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરીને સ્કૂલમાં જવાબ મુદ્દે કરેલી અરજીની મંગળવારે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. વધુમાં આ મુદ્દે હાઈકોર્ટમાં ચાર અરજીઓ થઈ છે અને વધુ બે વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટે ચારેય અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી.
રાજયમાં હિજાબ અને ભગવા દુપટ્ટા-ખેસ અંગે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે કોર્ટે કહ્યું કે આ દેશ ભાવનાઓ અને ઝનુનથી નહીં કાયદા અને બંધારણથી ચાલશે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ રાજ્યમાં બધી જ સ્કૂલ-કોલેજો ત્રણ દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે કેટલાક તત્વો રાજ્યની શાંતિ ડહોળવા માગે છે.
ન્યાયાધિશ ક્રિષ્ના એસ. દિક્ષિતની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે, અમે ભાવના અને ઝનૂનથી નહીં, તર્ક અને કાયદાથી ચાલીશું. દેશના બંધારણમાં જે વ્યવસ્થા અપાઈ છે, અમે તે મુજબ ચાલીશું. બંધારણ અમારા માટે ભગવદ ગીતા સમાન છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે શીખ સમુદાય સંબંધિત વિદેશની અદાલતોના આદેશોને ટાંકતા કહ્યું, શીખોની બાબતમાં માત્ર ભારતની કોર્ટ જ નહીં કેનેડા અને બ્રિટનની કોર્ટે પણ તેમની પ્રથાને આવશ્યક ધાર્મિક પરંપરા તરીકે સ્વીકારી છે.
ઉડુપીની કોલેજમાં વર્ગખંડમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધનો મુદ્દો અન્ય કોલેજોમાં પણ ફેલાયો છે. અને હવે આખા રાજ્યમાં આ વિવાદ હિજાબ વિરુદ્ધ ભગવા દુપટ્ટા-ખેસમાં ફેરવાઈ ગયો છે. આ મુદ્દે શિવમોગા અને બગલકોટમાં હિંસક વિરોધ પ્રદર્શનની ઘટનાઓ પણ ઘટી છે. અહીં પથ્થરમારા પછી પોલીસે લાઠીચાર્જ કરવો પડયો હતો.