રાજ્યમાં બુલેટ ટ્રેન કોરિડોરનું નિર્માણ પુર ઝડપે -જાણો આ પ્રોજેક્ટ વિશેની કેટલીક વાતો
- ગુજરાતમાં બુલેટ ટ્રેનનું નિર્માણ પુર ઝડપે થઈ રહ્યું છે
- એક મહિનામાં બને છે 250 પિલ્લર
અમદાવાદ- પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી સતત થઈ રહી છે પ્રોજેક્ટને વર્ષ 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક હતું જો કે કોરોના કાળે તેમાં થોડી મુશ્કેલી સર્જી છે તો આ કામને પૂર્ણ થવામાં થોડો સમય લાગે તો સ્વાભાવિક કહી શકાય. ગુજરાત રાજ્યમાં બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણને વેગ મળ્યો છે. હાલમાં ગુજરાતના 352 કિલોમીટર લાંબા સાબરમતી-વાપી વિભાગમાં દર મહિને સરેરાશ 200-250 પિલ્લર બનાવવામાં આવી રહ્યા છે. વિવિધ નદીઓ પર સૂચિત 20 પુલોનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંત્રાલય પ્રોજેક્ટની દૈનિક અપડેટ લઈ રહ્યું છે.
અમદાવાદ, વડોદરા અને સાબરમતી રેલવે સ્ટેશન ઉપર બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. આ સાથે યુપી, ઉત્તરાખંડ, બિહાર, દિલ્હીથી ચાલતી ટ્રેનોના મુસાફરો આ ત્રણેય સ્ટેશનો પર પહોંચ્યા પછી સીધા જ બુલેટ ટ્રેનમાં ચઢી શકશે.
નેશનલ હાઈ સ્પીડ રેલ કોરિડોર ના પ્રિન્સિપલ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રમોદ શર્માએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ આઠમાંથી સુરત, વડોદરા અને અમદાવાદ હાઈ સ્પીડ સ્ટેશનનું નિર્માણ કાર્ય 2024 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અધિકારીએ દાવો કર્યો હતો કે બીલીમોરા, વાપી, આણંદ સહિતના બાકીના સ્ટેશનો 2026 સુધીમાં તૈયાર થઈ જશે.
હાઇ સ્પીડ કોરિડોર પર નર્મદા નદી પર 1.26 કિલોમીટર લાંબો પુલ બનાવવામાં આવી રહ્યો છે. આ માર્ગ પરનો આ સૌથી લાંબો પુલ હશે. તેનું બાંધકામ પણ જુલાઈ 2024માં પૂર્ણ થશે. રાજ્યની સાબરમતી, ધાધર, મહી, દમણગંગા, તાપ્તી નદીઓ પર કુલ 20 પુલ બનાવવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ ઓછું થયા બાદ હાઈ સ્પીડ કોરિડોરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. દર મહિને 8 થી 10 કિલોમીટરનો ટ્રેક નાખવા માટે થાંભલા ઉભા કરવામાં આવી રહ્યા છે. સુરત-બીલીમોરા વચ્ચે ટ્રેક નાખવા માટે 40 મીટર લાંબા ગાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેનું વજન એક હજાર મેટ્રિક ટન છે. આ ટેક્નોલોજી સાથે, ટ્રેક નાખવાની ઝડપ 700 ગણી વધી છે. આ ટેક્નોલોજી માત્ર ચીન, જાપાન સહિતના પસંદગીના દેશોમાં છે.