Site icon Revoi.in

સિંગાપોર-દુબઈની જેમ ગુજરાતના આ પાંચ શહેરોમાં ગગનચૂંબી ઈમારતોના બાંધકામને મંજૂરી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઇઝડ આઇકોનીક ઇમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-2017ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સુચનોને ધ્યાને લીધા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરનામાને આખરી મંજુરી આપી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 18 ઓગસ્ટ 2020ના દિવસે રાજ્યના પાંચ મહાનગરોમાં સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ, ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી આપવા માટેની જાહેરાત કરવા સાથે પ્રાથમિક જાહેરનામું-પ્રાયમરી નોટિફીકેશન મંજૂર કર્યુ હતું અને આ સંદર્ભમાં વિભાગ દ્વારા વાંધા-સૂચનો મંગાવવામાં આવેલા હતા.

મુખ્યમંત્રીએ  પ્રાથમિક જાહેરનામા સંદર્ભે આવેલા વાંધા સૂચનો ધ્યાને લીધા બાદ હવે, ગગનચૂંબી ઇમારતો હાઇરાઇઝડ બિલ્ડીંગ સ્ટ્રકચરના નિર્માણ અંગેના જાહેરનામાને આખરી મંજૂરી આપી છે. હવે પાંચ મહાનગરોમાં આભને આંબતા હાઇરાઇઝડ બિલ્ડીંગ્સ સ્ટ્રકચરના નિર્માણનો નવો યુગ શરૂ થશે.

ટોલ બિલ્ડીંગ –ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સનું આખરી જાહેરનામું પ્રસિધ્ધ થવાની સાથે જ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશન અને સત્તા મંડળો દ્વારા ગગનચુંબી ઈમારતોને મંજૂરી આપી શકાશે. એટલું જ નહિ દેશ અને દુનિયાના અન્ય શહેરો સાથે ગુજરાતના શહેરો પણ પોતાની આગવી ઓળખ ધરાવતા હાઇરાઇઝડ આઇકોનીક સ્ટ્રકચર બાંધી શકશે.