અમદાવાદઃ પંચાયત ભવનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પંચાયતી રાજના મંદિર સમાન છે. પંચાયતો મિની સચિવાલય બને તેવી ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકારે ગામડાં તાલુકા અને જિલ્લા કક્ષાએ અત્યાધુનિક, સુવિધાસભર પંચાયત ભવનોના નિર્માણ કર્યા છે. તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, સત્તાના વિકેન્દ્રીકરણ એટલે કે ડીસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવરને પરિણામે સ્થાનિક સ્તરે જ વિકાસ કામોના નિર્ણયો થવાથી રાજ્યમાં વિકાસની ગતિને નવી દિશા મળી છે.
સત્તાનું–પાવરનું વિકેન્દ્રિકરણ એ આજના યુગની આવશ્યકતા છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રના નાણા સીધા જ ગ્રામ પંચાયતોને આપીને ગ્રામ પંચાયતોને પોતાના વિકાસ સ્વયં કરવાની સત્તા અને તક આપી છે. લોકો પોતાનો ઇચ્છિત વિકાસ જાતે કરી શકે તેવી નેમ સાથે રાજ્ય સરકારે પણ ગ્રામ પંચાયતને વધુ અધિકારો સાથે સક્ષમ કરી છે. જિલ્લા પંચાયતો લોકશાહીનું સારી રીતે જતન કરે અને માર્ગદર્શક સિદ્ધાંતોનું સારી રીતે પાલન કરે પરિણામે વ્યવસ્થિત વિકાસ થાય એ હેતુથી પંચાયતોને સ્વંતત્રતા આપવામાં આવી છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ મોરબીમાં રૂ. ૨૭.૪૬ કરોડના ખર્ચે નિર્મિત જીલ્લા પંચાયત ભવનનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કરતાં કહ્યું કે, ગુજરાતના ગ્રામીણ લોકોની હૃદયની ભાવનાને ધબકતી રાખતા પંચાયત ભવનો સરકારની યોજનાઓને જન-જન સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પંચાયત ભવનો થકી લોકશાહીના મૂલ્યોનું જતન થાય અને વિકાસની સરવાણી વહેતી રહે તે માટે રાજ્યમાં પંચાયતી રાજની વ્યવસ્થા સુપેરે કાર્યરત છે.