Site icon Revoi.in

પ્રથમ નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ (X-GSL)ના નિર્માણ કાર્યનો શુભારંભ

Social Share

મુંબઈઃ આધુનિક પેઢીના પહેલા નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ (X-GSL)ના નિર્માણ કાર્યનો ઔપચારિક શુભારંભ કાર્યક્રમ  મેસર્સ ગોવા શિપયાર્ડ લિમિટેડ, ગોવા ખાતે યોજાયો હતો. આ સમારંભની અધ્યક્ષતા કન્ટ્રોલર વોરશિપ પ્રોડક્શન એન્ડ એક્વિઝિશન વીએડીએમ બી શિવ કુમારે કરી હતી. આ મહત્વપૂર્ણ પ્રસંગે ગોવા શિપયાર્ડ લિમિટેડના અધ્યક્ષ તેમજ એમડી બી કે ઉપાધ્યાય તથા ભારતીય નૌકાદળ અને મેસર્સ જીએસએલના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. 

આધુનિક પેઢીના સમુદ્ર તટથી ઘણાં દૂર ગોઠવવામાં આવનારા આ પ્રકારના 11 નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ  (NGOPV)ની સ્વદેશી ડિઝાઇન અને બાંધકામ માટેનો કરાર 30 માર્ચ, 2023ના રોજ સંરક્ષણ મંત્રાલય અને મેસર્સ ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL), ગોવા અને મેસર્સ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE), કોલકાતા વચ્ચે થયો હતો. તેમાંથી સાત જહાજો લીડ શિપયાર્ડ મેસર્સ જીએસએલ દ્વારા બનાવવામાં આવનાર છે અને ચાર યુદ્ધ જહાજો ફોલો શિપયાર્ડ મેસર્સ જીઆરએસઈ દ્વારા બનાવવામાં આવનાર છે.

નવી અને આધુનિક પેઢીના આ  ઓફશોર પેટ્રોલ વેસલનો ઉપયોગ એન્ટિ-પાઇરસી, કોસ્ટલ ડિફેન્સ એન્ડ સર્વેલન્સ, સર્ચ એન્ડ રેસ્ક્યૂ એન્ડ પ્રોટેક્શન ઑફ ઑફશોર એસેટ્સ જેવા અભિયાનોની કામગીરી કરવા માટે થશે. આ જહાજો ભારતીય નૌકાદળને હિંદ મહાસાગર ક્ષેત્રમાં રાષ્ટ્રના આર્થિક અને ભૂરાજકીય હિતોનું રક્ષણ કરવા, યુદ્ધ ક્ષમતા જાળવવા સક્ષમ બનાવશે. આ પહેલ સ્વદેશી શિપબિલ્ડિંગ તરફ ભારતીય નૌકાદળની શોધમાં આ વધુ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે તથા દેશની ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને અનુરુપ છે.