સૌરાષ્ટ્રમાં વીજ ચોરીનું દુષણ, રાજકોટ, ભૂજ અને બોટાદ તાલુકામાં 96 ટીમો દ્વારા દરોડા
અમદાવાદઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ વપરાશ વધવાની સાથે વીજ ગેરરીતિમાં પણ વધારો થયો છે. જેને પગલે સવારથી જ રાજકોટ સહિત ભુજ અને બોટાદના અલગ અલગ વિસ્તારોમાં વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સવારથી જ વીજ ચેકીંગને પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. કુલ 96 ટીમો દ્વારા વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દેશભરમાં હાલ વીજળીની તંગી ચાલી રહી છે, ઉનાળાની ગરમીને લીધે વીજળીના વપરાશમાં અસામાન્ય વધારો થયો છે. બીજીબાજુ ગામડાંઓ અને નાના શહેરોમાં વીજળીની બોરોકટાક ચારી થી રહી છે. એટલે રેવન્યુમાં મોટો લોસ પડી રહ્યો છે. આથી વીજળીની ચારી અટકાવવા માટે ગરોડા પાડવામાં આવી રહ્યા છે. વીજ ચોરોને ઝડપી પાડવા સવારથી જ રાજકોટ, ભુજ અને બોટાદ તાલુકામાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભુજ સર્કલના નખત્રાણા ડિવિઝન હેઠળ આવેલાં નખત્રાણા, રવાપર અને દયાપરમાં 31 ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 3 જ્યોતિ ગ્રામ યોજનાના ફીડરોનો પણ સમાવેશ થાય છે. જ્યારે બોટાદ સર્કલ હેઠળ આવતાં પાળીયાદ અને બોટાદ રૂરલના વિવિધ વિસ્તારોમાં 28 ટીમો દ્વારા વીજ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત રાજકોટમાં પણ સવારથી જ વીજ દરોડાની કાર્યવાહી શરૂ થતાં વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં બેડીનાકા અને પ્રદ્યુમન નગર સબડિવીઝન હેઠળ આવતાં વિવિધ વિસ્તારો જેવાં કે રૂખડીયાપરા, 53 વારિયા ક્વાર્ટર, પોપટપરા, રઘુનંદન સોસાયટી, છત્રપતિ આવાસ, મહર્ષિ આવાસ, હેડગેવાર આવાસ, જીવંતિકા નગર, જીવંતિકા પરા, ભારતીનગર, ગોવિંદ નગર, લક્ષ્મી છાયા સોસાયટી, રંગ ઉપવન સહિતનાં વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 37 ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન અનેક વીજ જોડાણોમાં ગેરરીતિ માલૂમ પડતાં દંડ ફટકારવામાં આવ્યો હતો.