નવી દિલ્હીઃ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ એમ બે જ મોટી પાર્ટીઓ હતી પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનું સતત ધોવાણ થયું છે. જેથી હવે સ્થાનિક પક્ષો પણ કોંગ્રેસથી અંતર વધારી રહ્યાં છે. વર્ષ 2024માં ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે તેવી શકયતા છે. બીજી તરફ વિપક્ષમાં પીએમ પદના ઉમેદવારોની લાઈનો લાગી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરિવાલ, નીતિશ કુમાર, મમતા બેનર્જી અને કોંગ્રેસના રાહુલ ગાંધી સહિતના નેતાઓના નામ પીએમ પદના ઉમેદવાર તરીકે ચર્ચાઈ રહ્યાં છે.
તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખ રાવે પટનામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી. તેમની મુલાકાતની તસવીરો પણ સામે આવી છે. જેમાં ટોપી પહેરેલા કે. ચંદ્રશેખરરાવ નીતિશ કુમાર અને તેજસ્વીને ગુલદસ્તો ભેંટ આપતા દેખાય રહ્યા છે. નીતિશ કુમાર અને કે. ચંદ્રશેખરરાવ ભાજપ વિરુદ્ધ વિપક્ષી દળોને એકજૂટ કરવાની કોશિશ કરી રહ્યા છે.
પોતાની બિહાર યાત્રા દરમિયાન કેસીઆર ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકો સાથે થયેલા હિંસક ઘર્ષણમાં શહીદ થયેલા બિહારના સૈનિકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાયતા પણ પ્રદાન કરી છે. ભાજપના નેતા સુશીલકુમાર મોદીએ કહ્યુ છે કે બે નેતાઓ વચ્ચે પ્રસ્તાવિત બેઠક બે દિવાસ્વપ્ન જોનારાઓનું મિલન છે. તેમણે કહ્યું છે કે આ બંને નેતાઓ પોતપોતાના રાજ્યોમાં જનાધાર ગુમાવી રહ્યા છે અને વડાપ્રધાન બનવાની આકાંક્ષા રાખનારા નેતાઓની મુલાકાત થઈ છે.
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં નીતિશ કુમારે એનડીએથી અલગ થઈને આરજેડી સહીતના પક્ષો સાથે મહાગઠબંધન સરકાર બનાવી છે. આ મહાગઠબંધનમાં આરજેડી સિવાય કૉંગ્રેસ અને ડાબેરી પક્ષો પણ સામેલ છે. આ રાજનીતિક ઉલટફેરને ભાજપે જનતા સાથે છેતરપિંડી અને જનાદેશનું અપમાન ગણાવ્યું હતું.