અમદાવાદઃ રાજ્યમાં સારા વરસાદ અને ઉપરનાવાસમાં સતત વરસી રહેલા વરસાદના પગલે નર્મદા ડેમ અને ઉકાઈ ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. આ જેથી હાલ નર્મદા ડેમમાંથી નર્મદા નદી અને ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી બંને નદીના કાંઠા વિસ્તારના લોકોને સાબદા રહેવા તાકીદ કરવામાં આવી છે. બંને ડેમમાં નવા પાણીની જંગી આવકને કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પાણી સમસ્યા ઉભી થવાની શકયતાઓ નહીંવત છે.
રાજ્યમાં ચાલુ વર્ષે સારા વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની જંગી આવક થઈ છે. દરમિયાન ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી વધીને 138 મીટરને પાર પહોંચી છે. ડેમમાં લગભગ 2.78 લાખ ક્યુકેસ પાણીની આવક થઈ રહી છે. જ્યારે નર્મદા નદીમાં 2.14 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમના 23 દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે નર્મદા ડેમમાં નવા પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠાના ગામોને સાબદા રહેવા તાકીદ કરવામાં આવી છે. ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી ગોલ્ડન બ્રિજ નજીક 19.2 ફૂટે સ્થિર જોવા મળી હતી.
આ ઉપરાંત ઉકાઇ ડેમની સપાટી હાલ 342.39ફૂટ ઉપર પહોંચી છે. જ્યારે રૂલ લેવલ 340 ફૂટ છે. ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઇ ડેમની હાલની સપાટીને પગલે પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં પાણીની આવક 142370 ક્યુસેક છે, જેની સામે પાણીની જાવક 124909 ક્યુસેક છે. ડેમના 13 દરવાજા 4 ફૂટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી કાંઠાના વિસ્તારોમાં આવેલા ગામોને એલર્ટ કરાયા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના તટમાં ન જવાની અપીલ કરવામાં આવી છે.