સતત નાઈટ શિફ્ટમાં કામ કરવાથી સ્થુળતા અને ડાયાબિટિશનું જોખમ વધી શકે છે
આજકાલના લોકો નાઇટ શિફ્ટમાં પણ કામ કરતા હોય છે. મલ્ટીનેશનલ કંપની પણ લોકોને નાઇટ શિફ્ટની નોકરી ઓફર કરતી હોય છે. ત્યારે જો તમે પણ નાઇટ શિફ્ટમાં નોકરી કરતા હોવ તો તમારા માટે આ ખબર જાણવી ખૂબ જ જરૂરી છે. તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નાઇટ શિફ્ટમાં કામ કરવાથી સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી અને પેસિફિક નોર્થવેસ્ટ નેશનલ લેબોરેટરીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ આ અભ્યાસ દર્શાવે છે કે નાઇટ શિફ્ટમાં માત્ર થોડા દિવસો જ કામ કરવાથી શરીરમાં પ્રોટીનના સ્તરને ખલેલ પહોંચે છે, જેની સીધી અસર બ્લડ સુગર લેવલ અને શરીરની એનર્જી પર પડે છે.
અભ્યાસ દરમિયાન, સંશોધકોએ વોલેન્ટીયર્સને નિયંત્રિત વાતાવરણમાં રાખ્યા અને તેમને થોડા દિવસો માટે નાઇટ શિફ્ટમાં અને થોડા દિવસો માટે દિવસની શિફ્ટમાં કામ કરવા કહ્યું. આ પછી તેમની રક્તવાહિનીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું. વિશ્લેષણમાં જાણવા મળ્યું કે નાઇટ શિફ્ટમાં કામ કરવાથી શરીરમાં કેટલાક ખાસ પ્રોટીનના સ્તરને અસર થાય છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં અને એનર્જી મેટાબોલિઝમમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
બાયોલોજિકલ ઘડિયાળમાં થાય છે તકલીફ
અભ્યાસના વરિષ્ઠ લેખક પ્રોફેસર હંસ વાન ડોંગેન કહે છે કે આપણા મગજમાં હાજર મુખ્ય બાયોલોજિકલ ઘડિયાળ (માસ્ટર ક્લોક) દિવસ-રાતના ચક્રને કંટ્રોલ કરે છે. શરીરના અન્ય ભાગોમાં પણ પોતાની આંતરિક ઘડિયાળો હોય છે. જ્યારે રાતે કામ કરવાને કારણે આ આંતરિક ઘડિયાળોને ખલેલ પહોંચે છે, ત્યારે શરીરમાં સતત તણાવની સ્થિતિ સર્જાય છે. આ તણાવ લાંબા ગાળે સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું કારણ બની શકે છે.
વધુ વાંચો: અપૂરતી ઊંઘથી થઈ શકે છે આ ગંભીર બીમારીઓ! થઇ શકે છે યાદ કરવાની ક્ષમતામાં ઘટાડો
વધુ સંશોધનની જરૂર
જો કે, નાઈટ શિફ્ટ કર્યા પછી કેટલા સમય પછી આ જોખમો વધવા લાગે છે અને આ જોખમોને ઘટાડવા માટે કયા પગલાં લઈ શકાય, તે સમજવા માટે વધુ સંશોધનની જરૂર છે. પરંતુ આ અભ્યાસ ચોક્કસપણે નાઇટ શિફ્ટમાં કામ કરતા લોકો માટે ચેતવણીનો સંકેત છે. જો તમે પણ નાઈટ શિફ્ટમાં કામ કરો છો તો તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. તમારા સૂવાનો સમય શક્ય તેટલો નિયમિત રાખવાનો પ્રયાસ કરો અને તમારા આહાર પર પણ ધ્યાન આપો. ડોક્ટર પાસે નિયમિત ચેકઅપ પણ કરાવતા રહો.