ગાંધીનગરઃ અસહ્ય મોંઘવારીમાં કર્મચારીઓને પગાર ન મળે તો તેમની હાલત કફોડી બનતી હોય છે. ગુજરાત સોશિયલ ઇકોનોમિક ડેવલપમેન્ટ સોસાયટીના કરાર આધારિત 250થી વધુ કર્મચારીઓને જૂન-જુલાઈના પગારથી વંચિત રાખવામાં આવતાં કર્મચારીઓમાં આક્રોશ ઉભો થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના તબીબી સેવાઓ હસ્તક ગુજરાત સોસિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ સોસાયટી ચાલે છે.
ગુજરાત સોસિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ સોસાયટીમાં 250થી વધુ કર્મચારીઓ કરાર આધારિત ફરજ બજાવે છે.ત્યારે આ કર્મચારીઓને જૂન મહિનાથી તેમને મળવાપાત્ર પગાર હજુ સુધી ચૂકવાયો નથી એટલું જ નહીં આ સોસાયટીના કર્મયોગીઓને મહિનાના અંતિમ સપ્તાહમાં જ પગાર વિલંબથી ચુકવાતો હોવાની ફરિયાદો ઊભી થઈ છે જોકે રાજ્ય સરકારના નિયત કર્મચારીઓને દર મહિનાની 1 થી 5 તારીખ સુધીમાં તેમનો પગાર થઈ જતો હોય છે. ત્યારે વધતી જતી મોંઘવારી અને સમયસર પગાર નહીં મળવાના કારણે પૈસા માટે વલખા મારવા પડે છે પરિણામે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
બીજી તરફ ગુજરાત સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ સોસાયટીના કર્મચારીઓને કેટલીક વખત તો બે કે ત્રણ મહિનાનો પગાર એક સાથે ચુકવાયો છે, કરાર આધારિત કર્મચારીઓ રાજ્ય સરકારના સંબંધિત વિભાગના અધિકારી કે કર્મચારી ને પગાર અંગે પૂછવામાં આવે તો આ કર્મયોગીઓને ઉડાઉ જવાબ આપવામાં આવતા હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓને સમયસર પગાર કરે છે પરંતુ કરાર આધારિત કર્મચારીઓને કયા કારણોથી પગાર માટે વિલંબથી કરવામાં આવે છે તે યક્ષપ્રશ્ન છે જોકે અલગ અલગ વિભાગમાં કામ કરતા કરાર આધારિત કર્મચારીઓ પોતાની કામગીરીમાં સંપૂર્ણ ધ્યાન રાખતા હોવા છતાંયે સમયસર પગાર માટે વલખા મારતા કરાર આધારિત કર્મચારીઓ ની વેદના આ સરકાર ક્યારે સાંભળશે તે જોવું રહ્યુ.