Site icon Revoi.in

વડોદરા મ્યુનિ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ મચાવ્યો હોબાળો

Social Share

વડોદરાઃ મ્યુનિ.કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ ઘણા સમયથી કાયમી કરવાની માગ કરી રહ્યા છે. દરમિયાન ફરીવાર કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ મ્યુનિ.સામે મોરચો માંડ્યો છે. કોન્ટ્રાક્ટ હેઠળ મ્યુનિ.માં કામ કરતા કર્મચારીઓ બપોરના ટાણે એકઠા થયા હતા. તે સમયે મ્યુનિ.કમિશનર કાર લઈને જમવા માટે ઘેર જતા હતા ત્યારે  કર્મચારીઓ કમિશનરની કારને ઘેરી વળ્યા હતા. મ્યુનિ.કમિશનર દિલીપ રાણાને આંદોલનકારીઓએ માર્ગ ન આપતાં કારમાં જ અડધો કલાક બેસી રહેવાની ફરજ પડી હતી. આખરે તેમને કારમાંથી ઊતરી ત્રણ  કિમી ચાલીને ઘરે જવાની ફરજ પડી હતી.

વડોદરા મ્યુનિ.કોર્પોરેશનમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ ઘણા સમયથી કાયમી કરવાની માગ કરી રહ્યા છે. એક સપ્તાહ પૂર્વે SC-ST કામદાર યુનિયનના અગ્રણી અશ્વિન સોલંકીની આગેવાનીમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ કાયમી કરવાની માગ સાથે મોરચો માંડ્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ કર્મચારીઓનો પ્રશ્ન હલ ન‌ થતાં ગઈકાલે પુનઃ મોટી સંખ્યામાં કર્મચારીઓએ કમિશનર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. કર્મચારીઓ કમિશનર ઓફિસમાં ધસી ન જાય એ માટે પાલિકા સિક્યોરિટી દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો, આથી આ ગેટની આવનજાવન કરતા અન્ય અધિકારીઓને બીજા ગેટથી પોતાની ચેમ્બરમાં જવાની ફરજ પડી હતી.

આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે આ અયોગ્ય છે,  કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ સરકારી કામકાજમાં દખલગીરી કરી રહ્યા છે. કર્મચારીઓની ખોટી માગ છે. દરમિયાન કર્મચારીઓએ હમારી માગ પૂરી કરો, જય ભીમના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ આંદોલનના પગલે મુખ્ય માર્ગનો વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો. તમામ આંદોલનકારીઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. બે પોલીસ વાનમાં આંદોલનકારીઓને ભરીને લઈ જવામાં આવ્યા હતા.

મ્યુનિસિપલ કમિશનર આંદોલનકારીઓ વચ્ચેથી નીકળતા થયેલી ધક્કામુક્કીમાં અનેક મહિલા -પુરુષ આંદોલનકારીઓ દબાઇ ગયાં હતાં. કેટલાક આંદોલનકારીઓએ મ્યુનિસિપલ કમિશનર પાછળ સૂત્રોચ્ચાર કરતાં પીછો કર્યો હતો. જોકે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને 3 કિમી સયાજી હોસ્પિટલના ગેટ સુધી ચાલતા જવાની ફરજ પડી હતી. ત્યાંથી બીજી ગાડીમાં જવાની ફરજ પડી હતી. જોકે સયાજી હોસ્પિટલના ગેટ પાસે પણ પીછો કરનારા આંદોલનકારીઓએ ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. સવારે ઓફિસ ટાઇમ સમયે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ઓફિસમાં આવ્યા ત્યારે પણ તેમને આંદોલનકારીઓની વચ્ચેથી પસાર થઇ ઓફિસમાં જવાની ફરજ પડી હતી.