અમદાવાદના કોટ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવા ત્રીજીવાર ટેન્ડર છતાં કોન્ટ્રાકટરોને રસ નથી
અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્રદૂષિત પાણીની ફરિયાદો ઊઠી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ષો જુની પાણી અને ડ્રેનેજની લાઈન નાંખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને તેના માટે અગાઉ બે વાર ટેન્ડર બહાર પાડવા છતાંયે કોઈ કોન્ટ્રાકટર તૈયાર ન થતાં હવે ત્રીજીવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. શહેરના કોટ વિસ્તારની પોળોમાં સાંકડા રસ્તાઓ ગલીઓને કારણે ખોદકામ અને માટીના વહન માટે મોટી મશીનરીઓ પહોંચાડવી મુશ્કેલ હોવાથી કોન્ટ્રાક્ટરોને રસ નથી.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કોટ વિસ્તાર જમાલપુર, ખાડિયા, રાયપુર, શાહપુર, દરિયાપુર સહિતના વિસ્તારોમાં અવારનવાર પ્રદૂષિત પાણી આવતું હોવા અંગેની ફરિયાદોના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 241.67 કરોડના ખર્ચે પાણી અને ડ્રેનેજની લાઈન નાખવાનું આયોજન કર્યું છે. પ્રદૂષિત પાણીની સમસ્યાના ઉકેલ માટે બે વખત ટેન્ડર કર્યા બાદ પણ કોઈ કંપની દ્વારા મધ્ય ઝોનમાં પાણીની લાઈનો બદલવાની કામગીરી કરવા તૈયાર ન હોય તેમ ટેન્ડર ભરતા નથી. જેના કારણે કોર્પોરેશન દ્વારા ત્રીજી વખત ટેન્ડર બહાર પાડ્યુ છે. કોટ વિસ્તારમાં નાના રસ્તા અને સાંકળી ગલીઓ હોવાના કારણે ત્યાં મશીનરી યોગ્ય રીતે પહોંચી શકતી નથી અને મોટું કામ કરવાનું હોવાના કારણે વધારે સમય થઈ શકે તેમ હોવાના કારણે કોન્ટ્રાક્ટરો કામ કરવા તૈયાર ન હોવાનું કહેવાય છે.
શહેરના કોટ વિસ્તારમાં 100 વર્ષ જૂની પાણી અને ડ્રેનેજની લાઈનો આવેલી છે. જેમાં ગટર અને પાણીની લાઈનોમાં સડી જતાં બન્ને લાઈનોનું પાણી મિક્સ થઈ જતું હોવાથી પ્રદૂષિત પાણી આવે છે. ઝોનમાં વધારે ચાલીઓ, પોળ અને સ્લમ વિસ્તારમાં આવી તકલીફ હોવાના કારણે ગટર તેમજ પાણીની સપ્લાય લાઈન બદલવામાં આવશે. જેના માટે બે વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. 240 કરોડથી વધુના ખર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન કામગીરી કરવાની છે, પરંતુ ટેન્ડર પ્રક્રિયામાં કોઈ કંપની ટેન્ડર ન ભરતું હોવાથી કામગીરી થઈ શકી નથી. જો પાણીની પાઇપો બદલાઈ જાય તો ગટર અને પ્રદૂષિત પાણીની સમસ્યાથી રાહત મળશે.