અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, તેથી સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપતા હવે દિવસ દરમિયાન તમામ દુકાનો, રેસ્ટોરન્ટ્સ, હોટલ વગેરે ખૂલતા ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. મંદિરો પણ ભાવિકોના દર્શન માટે ખૂલી ગયા છે. ત્યારે અમદાવાદમાં વર્ષોથી પરંપરાગત રીતે યોજાતી રથયાત્રા પણ યોજાશે. સરકારે પણ રથયાત્રા યોજવા માટે સકારાત્મક વલણ અપનાવ્યું છે, ત્યારે રથયાત્રા કાઢવી હશે તો તે પહેલાં લગ્ન-મરણ, ધાર્મિક-સામાજિક-રાજકીય કાર્યક્રમો, સભા, સરઘસ પરનાં નિયંત્રણો સંપૂર્ણપણે ઉઠાવી લેવા પડશે. જ્યાં સુધી આ નિયંત્રણો ઉઠાવાશે નહીં, ત્યાં સુધી રથયાત્રા પણ કાઢી શકાશે નહીં તેવી વિવિધ ચર્ચાઓ નાગરિકો-પોલીસ તંત્રમાં શરૂ થઈ ગઈ છે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે હજુ પણ સામાન્ય નાગરિક માટે કેટલાક નિયંત્રણો છે ત્યારે સરકાર રથયાત્રા કાઢીને લાખો લોકોની ભીડ ભેગી કરી શકે નહીં, પરંતુ જે રીતે છેલ્લા 3-4 દિવસથી જગન્નાથ મંદિરમાં પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓની ચહલપહલ વધી રહી છે, તેના પરથી આગામી 12 જુલાઈએ રથયાત્રા ભારે હર્ષોલ્લાસ સાથે નીકળવાના એંધાણ છે. આટલું જ નહીં રથયાત્રાને લઈને પોલીસ ખાતા, મ્યુનિ., મંદિર ટ્રસ્ટી મંડળે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કોરોનાના કારણે હાલ લગ્નમાં માત્ર 50 માણસ જ્યારે મરણમાં 20ને જ મંજૂરી છે. બીજી તરફ મોલ, મલ્ટિપ્લેકસ, સ્વિમિંગ પૂલ, સ્કૂલ, કોલેજો, ટ્યૂશન ક્લાસ ખૂલ્યાં નથી, જેના કારણે ધંધા સાથે સંકળાયેલા લોકો પરેશાન છે.
આવી સ્થિતિમાં રથયાત્રા કેવી રીતે યોજી શકાય તેવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. હાલમાં પણ અમદાવાદમાં રાતે 9થી સવારના 6 સુધી કર્ફ્યૂ છે. જ્યારે કર્ફ્યૂ સમયમાં 4 માણસો ભેગા થઇ શકતા નથી, દુકાનો પણ સાંજે 7 વાગ્યે બંધ કરવી પડે છે. સામાન્ય માણસ રાતે 9 વાગ્યા પછી ચાલવા માટે પણ ઘરની બહાર જઈ શકતો નથી.