ગુજરાતમાં ચૂંટણી ખર્ચની દેખરેખ અને આચારસંહિતા ભંગની ફરિયાદો માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયાં
ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ધીમી ગતિએ માહોલ જામતો જાય છે. જો કે ચૂંટણીને હજુ સવા મહિનો બાકી છે. કોંગ્રેસએ તો હજુ લોકસભાની સાત બેઠકોના ઉમેદવારો અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા નથી. ભાજપ દ્વારા તમામ બેઠકોના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકીય પક્ષોના નેતાઓ હાલ ગૃપ મીટિંગો કરીને તેમજ સભાઓ યોજીને પ્રચાર કરી રહ્યા છે. પરંતુ પ્રચાર-પ્રસારમાં હજુ ગરમી દેખાતી નથી. બીજીબાજુ ચૂંટણી પંચ એક્શન મોડમાં છે. મતદારો-ઉમેદવારોએ ક્યાં પ્રકારની ભૂમિકા તેમજ ક્યાં ક્યાં નિયમને અનુસરવું તેને લઈને સમગ્ર યાદી જાહેર કરી દીધી છે. ચૂંટણી ખર્ચની દેખરેખ માટે અને આચારસંહિતા ભંગની ફરિયાદો માટે કન્ટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે. અને 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા 42 કરોડથી વધુની રોકડ સહિતની ચિજ-વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
રાજ્યના ચૂંટણી પંચના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીના જણાવ્યા મુજબ ગુજરાતમાં લોકસભા ચૂંટણી તેમજ વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણી યોજવા માટે તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. રાજ્યમાં આચારસંહિતા ભંગ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ માટે કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયા છે. તેમજ તારીખ 16મી માર્ચ 2024થી અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં નિયમાનુસારની કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ 1,60,718 તેમજ ખાનગી મિલકતો પરથી કુલ 58,697 રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તેમજ પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે. તેમજ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે નક્કી કરવામાં આવેલી ખર્ચ મર્યાદા જળવાઈ રહે અને પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર અટકે તે માટે ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં 1.16 કરોડ રોકડ, 7.37 કરોડની કિંમતનો 1.94 લાખ લીટર કરતાં વધુ દારૂ, 11.44 કરોડની કિંમતનું 18.48 કિલો સોનું અને ચાંદી, 14 લાખની કિંમતનું 52.26 કિલો ચરસ અને ગાંજો તેમજ મોટરકાર, મોટર સાઈકલ, સિગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની 22.50 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ 42.62 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
ચૂંટણી સંદર્ભે મળતી ફરિયાદોનો ઝડપથી નિકાલ થાય અને સમગ્ર પ્રક્રિયા પર અસરકારક નિયંત્રણ રહે તે હેતુથી તારીખ 16મી માર્ચ 2024થી સામાન્ય વહીવટ વિભાગના ચૂંટણી પ્રભાગ, બ્લોકનં-6, બીજો માળ, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર ખાતે એક નિયંત્રણ કક્ષ–કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ જાહેર રજાઓના દિવસે પણ કાર્યરત રહેશે. નિયંત્રણકક્ષના ફોન નંબર- (079) 23257791 અને ફોન/ફેક્સ નંબર- (079) 23257792 છે. આ કંટ્રોલ રૂમ ખાતે ગુજરાત લોકસભા ચૂંટણી 2024 સંબંધિત ફરિયાદો અને રજૂઆતો સ્વીકારવામાં આવશે. મતદારોની સગવડ માટે સ્ટેટ કોન્ટેક્ટ સેન્ટરનો હેલ્પલાઈન નંબર- 1800-233-1014 છે. જે કચેરી સમય દરમિયાન કાર્યરત રહેશે. તે ઉપરાંત, કોઈપણ પ્રકારની ફરીયાદ 1950 (ટોલ ફ્રી નંબર) પર કરી શકાય છે. તેમજ National Grievance Service Portal (www.eci.gov.in) પર ઑનલાઈન પણ ફરીયાદ કરી શકાય છે. (File photo)