Site icon Revoi.in

ચોથી વનડેમાં ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની જીત પર ICCના સીઈઓની વિવાદીત ટીપ્પણી

Social Share

ન્યૂઝીલેન્ડે ગુરુવારે પાંચ વનડે મેચની શ્રેણીમાં ચોથા મુકાબલામાં ભારતને આઠ વિકેટથી કારમી હાર આપી છે. ન્યૂઝીલેન્ડની શ્રેણીમાં સતત ત્રણ હાર બાદ આ યજમાન ટીમની પહેલી જીત છે. ન્યૂઝીલેન્ડે ભારત તરફથી મળેલા 93 રનના લક્ષ્યાંકને માત્ર 1. ઓવરોમાં બે વિકેટના નુકસાનથી પ્રાપ્ત કર્યું હતું. યજમાન ટીમે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. કેપ્ટનના નિર્ણયને ન્યૂઝીલેન્ડના બોલરોએ સાચો સાબિત કર્યો હતો.

ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટે 21 રનમાં પાંચ વિકેટ અને કોલિન ડી. ગ્રાન્ડહોમે 26 રનમાં ત્રણ વિકેટો ઝડપીને શ્રેષ્ઠ બોલિંગનું પ્રદર્શન કરીને ભારતીય ટીમને 92 રનમાં આઉટ કરી હતી. ભારતીય ટીમની હાર બાદ કાર્યવાહક કેપ્ટન રોહિત શર્માએ આને લાંબા સમયમાં સૌથી ખરાબ બેટિંગ પ્રદર્શન ગણાવ્યું હતું. જો કે આઈસીસીના સીઈઓ ડેવ રિચર્ડસને અનપેક્ષિત પ્રતિક્રિયા આપી છે.

સામાન્ય રીતે વિવાદોથી દૂર રહેતા રિચર્ડસન પાસે જ્યારે ન્યૂઝીલેન્ડની જીત બાદ તેમની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરવામાં આવી, તો તેમણે એક રૂઢિપ્રયોગનો ઉપયોગ કર્યો હતો અને તેના કારણે વિવાદ પેદા થયો હતો. રિચર્ડસને કહ્યુ હતુ કે દરેક કૂતરાનો પોતાનો દિવસ હોય છે. રિચર્ડસનની પ્રતિક્રિયા બાદ સોશયલ મીડિયા પર ચર્ચા અને વિવાદો શરૂ થયા હતા.

મહત્વપૂર્ણ છે કે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે જે દિવસે ગત આઠ વર્ષમાં પોતાના લઘુત્તમ સ્કોર પર આઉટ થઈ તે દિવસે ડેવ રિચર્ડસને ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડમાં આ વર્ષે યોજાનારા વનડે વર્લ્ડ કપના ખિતાબ માટે પ્રબળ દાવેદાર ગણાવી છે. રિચર્ડસને એક પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે વર્લ્ડ કપ 2019માં દશ સર્વશ્રેષ્ઠ ટીમો ભાગ લેશે. ભાતર હાલના સમયે ઘણું સારું રમી રહ્યું છે અને ખિતાબનું દાવેદાર છે. ઈંગ્લેન્ડ વનડેમાં સર્વશ્રેષ્ઠ ટીમ છે, જ્યારે દક્ષિણ આફ્રિકા પણ સારું પ્રદર્શન કરી રહ્યું છે. વિશ્વ કપ કોણ જીતશે, આવા પ્રકારની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે.