નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એટલે કે જેએનયુ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. ડાબેરીઓએ જેએનયુ સંકુલમાં શિવાજી જ્યંતિની ઉજવણીમાં હંગામો મચાવ્યો હતો. તેમજ શિવાજીની પ્રતિમા ઉપર લગાવેલી હાર ઉતારીને પ્રતિમા ફેંકી દીધો હોવાનો આક્ષેપ એબીપીએએ કર્યો હતો. જો કે, ડાબેરીઓએ તમામ આક્ષેપોને ફગાવ્યાં હતા. શિવાજી જયંતિ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને ડાબેરીઓના કાર્યકર્તાઓ એકબીજા સાથે અથડામણ કરી છે.
જેએનયુ કેમ્પસમાં હંગામા બાદ દિલ્હી પોલીસ મોટી સંખ્યામાં કેમ્પસમાં પહોંચી હતી. મોડી રાત્રે બંને સંસ્થાઓના વિદ્યાર્થીઓ શાંત થયા હતા. ABVPનો આરોપ છે કે, વામપંથીઓએ JNUમાં સ્ટુડન્ટ યુનિયન ઓફિસમાં વીર શિવાજીના ચિત્રને માળા પહેરાવી હતી. આ સાથે ત્યાં સ્થાપિત મહાપુરુષોના ચિત્રોની તોડફોડ કરી ફેંકી દેવામાં આવી હતી.
જો કે ડાબેરી સંગઠનોએ આ વાતને નકારી કાઢી છે. તેઓ કહે છે કે તેઓ IIT મુંબઈના વિદ્યાર્થી દર્શન શાસ્ત્રી માટે ન્યાયની માંગણી સાથે વિરોધ કૂચ કરી રહ્યા હતા, જેમણે તાજેતરમાં જ પોતાનો જીવ ગુમાવ્યો હતો, પરંતુ ABVP કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એબીવીપીએ પણ આ વાતને નકારી કાઢી છે. વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે વાતાવરણ બગડવાની આશંકાને જોતા મોડી રાત સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જેએનયુ છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદોમાં રહે છે. તેમજ જેએનયુ સંકુલનો રાજકીય પક્ષો રાજકારણ માટે કરતા હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. જેએનયુમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રાજકારણથી દૂર રહીને અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની માંગણી ઉઠી છે.