જુનાગઢઃ ગીર સાંસણમાં સિંહને નિહાળવા માટે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓ માટે ‘હોટફેવરિટ’ ગણાતાં ગીર-સાસણ સહિતના જંગલોમાં જઈને સિંહનાં દર્શન કરવા એક અલગ જ લ્હાવો ગણવામાં આવતો હોવાથી દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતાં હોય છે. બીજી બાજુ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક તસવીરે વન્યજીવ પ્રત્યે કુણી લાગણી ધરાવતાં લોકોને હૃદયને કકળાવી નાખ્યા છે. ગીરની સફારી કરાવતાંપાંચથી છ જેટલી જીપ્સી એક સિંહણને ઘેરીને ઉભી રહી ગઈ છે અને તેમાં રહેલા 25થી વધુ પ્રવાસીઓ આરામથી સેલ્ફી લઈ રહ્યા હોવાનું જોવા મળ્યુ હતું. આ અંગે સિંહણને ખલેલ પહોંચાડતા જીપ્સીચાલકો સામે પગલાં લેવાની માગ ઊઠી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એક નિવૃત્ત જજ જયદેવ ધાંધલે પ્રિસીએફ (વન્યજીવ) ગુજરાત રાજ્ય ઉપરાંત જૂનાગઢ વન્યજીવ વર્તુળના સીસીએફ અને સાસણ-ગીરના ડીસીએફને તસવીર સાથે ઈ-મેઈલ તેમજ એસ.એમ.એસ.મારફતે ફરિયાદ કરી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે દરેક સફારી વ્હીકલ દ્વારા સફારી પ્રોટોકોલ્સ અને પરમીટની શરતોનો ભંગ કરી પરિશિષ્ય-1ના વન્યજીવની પજવણી થયાનું માની શકાય તેવા અંતરે અને મોટી સંખ્યામાં એક સિંહણની આજુબાજુમાં પોતાનું વાહન ગોઠવી દીધું છે. અમુક વાહનોના નંબર પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે એટલા માટે જો તપાસની થોડી તસ્દી લેવામાં આવે તો વાહનોની વિગતો મળી શકે તેમ છે. આ બાબત અત્યંત ગંભીર હોવાથી તેની જરૂરી તપાસ કરી જે સફારીચાલક દોષિત હોય તેમની પરમીટ રદ્દ કરવી જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે, સફારી નિયમો મુજબ થાય તેનું મોનિટરિંગ કરવાની જવાબદારી જે અધિકારીની હોય તેની સામે પણ ફરજ પ્રત્યે બેદરકારી રાખવા બદલ શિક્ષાત્મક પગલાં લેવાવા જોઈએ. જો કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ ભવિષ્યમાં આ સફારી નિયમો અને પ્રોટોકોલ મુજબ ચાલશે. જો અત્યારે કોઈ કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં આવા ગેરકાયદેસર કૃત્યને પ્રોત્સાહન મળતું જ રહેશે તે પણ વાસ્તવિક્તા છે. જોકે વન વિભાગના અધિકારીઓએ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલો વિડિયો જુનો હોવાનું કહીને હાથ અધ્ધર કરી દીધા હતા. (file photo)