અભિનેતા અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ‘પૃથ્વીરાજ’ને લઈને વિવાદ વકર્યો, અભિનેતાના વિરોધ સાથે ફિલ્મનું નામ બદલવાની માંગ
- અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ વિવાદમાં સપડાઈ
- ચંદીગઠમાં ફિલ્મને લઈને અભિનેતાનો વિરોધ
- ફિલ્મના નામને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો
મુંબઈઃ- બોલિવૂડમાં કેટલીક ઐતિહાસિક ફિલ્મો બનાવવામાં આવતી હોય છે ત્યારે ઈતિહાસને લઈને આ ફિલ્મો હંમેશા વિવાદમાં રહેતી હોય છે, કેટલીક ઐતિહાસિક ફિલ્મો તેના નામને લઈને વિવાદિત બને છે, ત્યારે આજ શ્રેણીમાં હવે અભિનેતા અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ પૃથ્વીરાજ તેના નામને લઈને વિવાદમાં સપડાઈ છે, જેને લઈને અભિનેતાએ પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, આ પહેલા પણ બોલિવૂડની ફિલ્મો પદ્માવત,બાજીરાવ મસ્તાની, ગલીયો કી રાસલીલાઃ-રામલીલા, જોધાઅકબર જેવી ફિલ્મોએ તેના ઈતિહાસને લઈને અને તેના નામને લઈને વિવાદ સર્જાયો હતો.
અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ‘પૃથ્વીરાજ’ હાલ ચર્ચાનો વિષય બની છે.તેને લઈને વિવાદ વધતો જ જઈ રહ્યો છે. હવે આંદોલનકારીઓએ ચંદીગઢમાં અક્ષય કુમારના પુતળાનું દહન કર્યું હતું. કરણી સેના પછી, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ ફિલ્મના નામ સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેના નામને બદલવાની માંગ કરી હતી. સંગઠને ‘પૃથ્વીરાજ’ ફિલ્મનું નામ બદલીને ‘હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ’ અથવા ‘સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ’ રાખવાની માંગ કરી છે.
ચંદીગઢના સેક્ટર 45 માં અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ પ્રદર્શન કર્યુ હતું, પ્રદર્શન દરમિયાન તેમણે અક્ષય કુમાર અને દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદીના પુતળાનું દહન કર્યું હતું. સંગઠને એમ પણ કહ્યું હતું કે ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં તેમને બતાવવામાં આવે. જો નિર્માતા-દિગ્દર્શક આવું નહીં કરે તો તેમને ‘પદ્માવત’ અને ‘જોધા અકબર’ જેવા વિરોધનો સામનો કરવો પડશે.
આ પહેલા કરણી સેનાએ આ ફિલ્મના નામ અંગે વાંધો ઉઠાવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે,આ ફિલ્મ મહાન પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે ત્યારે તેઓ ફિલ્મનું નામ ફક્ત’ પૃથ્વીરાજ ‘કેવી રીતે રાખી શકે. અમે ઇચ્છીએ છીએ કે ફિલ્મનું નામ બદલવામાં આવે.