બેંગ્લોરઃ ઉત્તરપ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદને લઈને વિવાદ સર્જાયો છે અ કોર્ટના આદેશને પગલે કોર્ટમાં સર્વે કરવામાં આવ્યો હતો. હવે કર્ણાટકમાં ટીપુ સુલ્તાનના શાસન દરમિયાન બાંધવામાં આવેલી મસ્જિદને લઈને વિવાદ ઉભો થતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. જે સ્થળ ઉપર મસ્જિદ બનાવાઈ હતી ત્યાં ક્યારેક હનુમાનજીનું મંદિર હોવાનો દાવો કરાઈ રહ્યો છે. તેમજ હિન્દુ સંગઠનોએ અહીં પુજા કરવાની અપીલ કરી છે. બીજી તરફ મસ્જિદની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
કર્ણાટકમાં શ્રીરંગપટના નામની જગ્યા પર જામા મસ્જિદ આવેલી છે. એવું કહેવાય છે કે તેનું નિર્માણ ટીપુ સુલતાન દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ હવે કેટલાક હિન્દુ સંગઠનોએ દાવો કર્યો છે કે, પહેલા ત્યાં મંદિર હતું. જેને ટીપુ સુલતાને તોડીને તેની જગ્યાએ મસ્જિદ બનાવી હતી. આ અંગે વિવાદ શરૂ થયો છે. હિન્દુ સંગઠનોએ તે મસ્જિદમાં પૂજા કરવાની માંગ કરી છે.
હિન્દુ સંગઠનનો દાવો છે કે ઉપલબ્ધ દસ્તાવેજોથી સાબિત થાય છે કે ત્યાં પહેલા હનુમાન મંદિર હતું. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, મસ્જિદની દિવાલો પર હિંદુ શિલાલેખ મળી આવ્યા છે, જે સાબિત કરવા માટે પૂરતા છે કે ત્યાં પહેલા મંદિર હતું. જ્યારથી શ્રીરંગપટના સ્થિત જામા મસ્જિદમાં મંદિર હોવાના દાવાઓએ જોર પકડ્યું છે, ત્યારથી જ મસ્જિદની સુરક્ષા વધારવાની માંગ ઉઠી છે. જો કે હજુ સુધી આ મામલે કર્ણાટક સરકાર કે અન્ય કોઈ મોટી સંસ્થા દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.