ઝારખંડ વિધાનસભામાં નમાજ માટે અલગ રૂમની ફાળવણીથી વિવાદઃ સંકુલમાં મંદિર નિર્માણની માંગણી
દિલ્હીઃ ઝારખંડ વિધાનસભાની નવી ઈમારતમાં મુસ્લિમ બિરાદરો માટે નમાઝ પઠવા માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સામે આવતા સ્થાનિક રાજકારણ ગરમાવ્યું છે. નમાજ પઢવા માટે અલગથી રૂમની ફાળવણીના સ્પીકરના નિર્ણય સામે ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ મંદિર પરિસરમાં મંદિર બનાવવાની પણ માંગણી કરવામાં આવી છે.
ભાજપના બાબુલાલ મરાંડીએ કહ્યું હતું કે લોકશાહીમાં લોકશાહીનું મંદિર જ રાખવું જોઇએ. નમાજ અદા કરવા અલગથી ખંડ ફાળવણીનો નિર્ણય ખોટો છે. અમે તે નિર્ણય સામે વિરોધ નોંધાવીએ છીએ. ભાજપના વિધાનસભ્ય સી.પી.સિંહે સરકાર બહુમતી સમુદાયના વિધાનસભ્યોની ભાવના સમજીને મંદિર નિર્માણ કરે તેવી માગ કરી હતી. આ ઉપરાંત ભાજપના વિધાનસભ્ય વિરંચી નારાયણે કહ્યું હતું કે અલગ અલગ ધર્મો માટે અલગ અલગ ઉપાસના ખંડની ફાળવણી થવી જોઇએ . તેમનું કહેવું હતું કે મુસ્લિમ ધર્મીઓની જેમ બીજા ધર્મના અનુયાયીઓ પણ વિધાનસભામાં પોતાના સંપ્રદાય અને શ્રદ્ધા મુજબ પૂજા પ્રાર્થના કરી શકે તેવી વ્યવસ્થા થવી જોઇએ.