Site icon Revoi.in

AMCમાં સિનિયરોની બાદબાકી કરીને જુનિયર અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપાતા વિવાદ

Social Share

અમદાવાદઃ મેગાસિટી ગણાતા શહેરી વસતી અને વિસ્તારમાં પણ વધારો થયો છે. સાથે મ્યુનિ.કોર્પોરેશનની જવાબદારીઓ પણ વધી રહી છે. રોડ,રસ્તા. પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધા લોકોને મળી રહે તેમજ તે અંગેના લોક પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે તે માટે મ્યુનિ.કમિશનર ખાસ ધ્યાન આપી રહ્યા છે. ઈજનેરી વિભાગમાં વર્ષોથી એકજ સ્થળે કામ કરતા સિનિયર અધિકારીઓને સ્થાને જુનિયર અધિકારીઓને જવાબદારી સોંપાતા વિવાદ ઊભો થયો છે. એએમસીના ઇજનેર વિભાગમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇજનેરોને વિભાગની ફાળવણીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સૌથી જુનિયર ગણાતાં વિજય સી. પટેલને ઇન્ચાર્જ સીટી ઇજનેર વોટર રિસોર્ટ મેનેજમેન્ટનો ચાર્જ સોંપાયો છે. હજુ એડીશનલ સીટી ઇજનેર તરીકેનો પ્રોબેશન પીરીયડ પણ પુરો નથી થયો તેને મહત્વનું પદ આપી દેવામાં આવ્યું છે. સિનિયર મોસ્ટ ગણાતા હરપાલસિંહ ઝાલા બાદ અનેક સિનિયર અધિકારીઓ છે પરંતુ કમિશનર દ્વારા તેમને વિભાગની ફાળવણી કરવાની જગ્યાએ કેટલાક જુનિયરોને મહત્વના પદ આપી દેવામાં આવતા નારાજગી ફેલાઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા મ્યુનિ.ના ઇજનેર વિભાગમાં ફરજ બજાવતા સીટી ઇજનેરોના વિભાગોની ફાળવણીમાં ફેરફાર કર્યા છે. ઇન્ચાર્જ સીટી ઇજનેર હરપાલસિંહ ઝાલાને બિલ્ડીંગ પ્રોજેક્ટનો ચાર્જ યથાવત રાખી વોટર રિસોર્સ મેનેજમેન્ટ જેવા મહત્વનો ચાર્જ તેમની પાસેથી લઇ લેવામાં આવ્યો છે. મધ્ય ઝોનના અમીત પટેલને હાલની કામગીરી ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની વધારાની કામગીરી સોપવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ઝોન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કામગીરી સંભાળતા અને જેમનો પ્રોબેશન પિરિયડ ચાલી રહ્યો છે એવા વિજય સી.પટેલને વોટર રિસોર્સ મેનેજમેન્ટ જેવા મહત્વના વિભાગના ઇન્ચાર્જ સીટી ઇજનેર તરીકેની કામગીરી સોંપવામાં આવી છે.

દક્ષિણ ઝોનમાં એડિશનલ સીટી ઇજનેર તરીકે ફરજ બજાવતા રાખીબેન ત્રિવેદીની કામગીરી નબળી જણાતા તેમની પાસેથી દક્ષિણ ઝોનનો ચાર્જ લઈ બીઆરટીએસ, એનઆરસીપી, શૌચાલય, એમ.પી. એમ.એલ.એ. તથા અન્ય ગ્રાન્ટના સંકલન સહિત અન્ય વિભાગો આપવામાં આવ્યા છે અને તાજેતરમાં જ નવા આવેલા એડિશનલ સીટી ઇજનેર પ્રેમલ શેઠને દક્ષિણઝોન ઉપરાંત ટ્રાફિકની કામગીરી સોંપવામાં આવી છે. ડ્રેનેજ પ્રોજેક્ટ જે સૌથી મોટી સમસ્યા છે જેના નિરાકરણ માટે હવે પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગને અલગ કરી પશ્ચિમમાં રાકેશ બોડીવાલા અને તાજેતરમાં જ પ્રમોશન પામેલા હર્ષા પટેલને પૂર્વની ડ્રેનેજ પ્રોજેક્ટની જવાબદારી આપી છે.

આ ઉપરાંત રોડ, બિલ્ડીંગ, હાઉસિંગ પ્રોજેક્ટ સહિત વિવિધ પ્રોજેક્ટની જવાબદારી સંભાળતા એડિશનલ સીટી ઇજનેર પ્રણય વી. શાહને રોડ પ્રોજેક્ટ, હાઉસીંગ પ્રોજેક્ટ, સીટી સ્કેવર પ્રોજેક્ટ અને અન્ય ફ્લેગશીપ પ્રોજેક્ટની જવાબદારી સોંપાઇ છે. મીની કમિશનર દ્વારા વિભાગોની ફાળવણીમાં પશ્ચિમ ઝોનના એડિશનલ સીટી ઇજનેર તરીકે ફરજ બજાવતા ઋષિ પંડ્યા જેઓ તમામમાં સૌથી સિનિયર અધિકારી છે તેમને આવા વિભાગો સોંપવામાંથી રહસ્યમય રીતે બાદબાકી કરવામાં આવી છે. પૂર્વ અને ઉત્તર ઝોનના અધિકારીની પણ બાદબાકી કરવામાં આવી છે. એટલે વિવાદ ઊભો થયો છે.