Site icon Revoi.in

ગુજરાત યુનિ.એ એલએલબીના પરિણામમાં ગેરહાજર વિદ્યાર્થીઓને માર્કસ આપતા વિવાદ

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાના વિવિધ પરિણામોને લઈને  અનેક વખત વિવાદોમાં સપડાઈ ચુકી છે. મંગળવારે રાત્રે યુનિવર્સિટીએ એલએલબી સેમેસ્ટર 4 અને 6નું પરિણામ જાહેર કર્યું હતું પરંતુ આ પરીક્ષામાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીને પરિણામમાં માર્કસ આપવામાં આવ્યાં હતાં. આ મામલે યુનિવર્સિટીને જાણ થતાં જ તાત્કાલિક પરિણામની વેબસાઈટ બંધ કરી દેવામાં આવી હતી. જે હજુ સુધી ફરીવાર ચાલુ કરવામાં આવી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં એલએલબીની ઓનલાઇન અને ઓફલાઈન પરીક્ષા લેવામાં આવી હતી. મહિના અગાઉ લેવાયેલી પરીક્ષાનું  પરિણામ મંગળવારે રાત્રે ઓનલાઇન  જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થતાં કેટલાક વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરિણામ જોયું હતું. જેમાંથી એક વિદ્યાર્થીએ પરીક્ષા આપી ના હોવા છતાં તેને માર્કસ આપવામાં આવ્યા હતા.આ અંગે ગુજરાત યુનિવર્સિટીને જાણ થતાં તાત્કાલિક પરિણામની સાઇટ બંધ કરવામાં આવી હતી જેથી અન્ય વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શક્યા નથી.

ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા અનેક ભૂલો થઈ રહી છે. એક વાર નહિ પરંતુ અનેક વાર નાની મોટી ભૂલો થઈ રહી છે જેનું પરિણામ વિદ્યાર્થીઓએ ભોગવવું પડી રહ્યું છે.અગાઉ ઓનલાઇન પરીક્ષામાં પણ પરીક્ષા આપ્યા છતાં વિદ્યાર્થી ગેરહાજર બતાવ્યા હતા. ત્યાર બાદ ઓફલાઈન પરીક્ષામાં પણ અગાઉના વર્ષનું પેપર આપવામાં આવ્યું હતું અને હવે પરિણામમાં ગેરહાજર વિદ્યાર્થીઓને પણ માર્કસ આપવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની બેદરકારી વધતી જઈ રહી છે. અગાઉ ઓનલાઇન પરીક્ષામાં તો છબરડા જોવા મળતા હતા હવે ઓફલાઈન પરીક્ષામાં પણ છબરડો સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષામાં BAના વિદ્યાર્થીઓને સેમ-6ની ઈંગ્લીશની પરીક્ષામાં સેમ-5નું અંગ્રેજીનું પેપર આપવામાં આવ્યું હતું. બાદમાં કોલેજ દ્વારા યુનિવર્સિટીને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ યુનિવર્સિટીએ તાત્કાલિક નવા પેપર સેન્ટર પર મોકલાવ્યા હતા અને 3 વાગ્યાની જગ્યાએ 4 વાગ્યે પરીક્ષા શરૂ થઈ હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,ગુજરાત યુનિવર્સીટીમાં પરીક્ષામાં અનેક છબરડા થઇ રહ્યા છે. ઓનલાઈન પરીક્ષામાં પણ છબરડા થયા હોવાનું સામે આવ્યું હતું. પરીક્ષા અગાઉ જ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોલ ટીકીટમાં છબરડા જોવા મળ્યા હતાં. LLMના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ હોલ ટીકીટમાં વિદ્યાર્થીનું નામ અલગ અને ફોટો અલગ વિદ્યાર્થીનો હતો. જેનાથી વિદ્યાર્થીઓ મુઝવણમાં મુકાયા હતાં.