રાજસ્થાન વિધાનસભામાં બળાત્કાર કેસ મુદ્દે મંત્રીના નિવેદનથી વિવાદ કર્યો
જયપુરઃ રાજસ્થાનમાં મંત્રી શાંતિ ધારીવાલે કહ્યું કે રાજસ્થાન “બળાત્કારના કેસોમાં નંબર વન પર છે” કારણ કે તે “પુરુષોનું રાજ્ય છે.” મંત્રીના આ નિવેદનથી વિવાદ ઉભો થયો છે. રાજસ્થાનના સંસદીય બાબતોના પ્રધાન શાંતિ ધારીવાલે વિધાનસભામાં જવાબ આપતા કહ્યું હતું કે રાજ્ય “બળાત્કારના કેસોમાં નંબર વન પર છે.”
શાંતિ ધારીવાલે રાજસ્થાન વિધાનસભામાં બોલતા કહ્યું હતું કે, “બળાત્કારના કેસમાં આપણે નંબર વન પર છીએ. તેમાં કોઈ શંકા નથી. આપણે બળાત્કારના કેસમાં શા માટે આગળ છીએ તેવો સવાલ કરીને મંત્રીએ કહ્યું કે, રાજસ્થાન પુરુષોનું રાજ્ય રહ્યું છે.” મંત્રીના આ નિવેદનથી વિવાદ ઉભો થયો છે. તેમજ રાજસ્થાન ભાજપના નેતા સતીશ પુનિયા, પ્રવક્તા શેહઝાદ અને રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના અધ્યક્ષ રેખા શર્માએ ધારીવાલ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ મંત્રીના નિવેદનને આધાતનજક, ઘૃણાજનક ગણાવી હતી. સતીશ પુનિયાએ શાંતિ ધારીવાલ પર મહિલાઓનું “અપમાન” કરવાનો અને “પુરુષોની ગરિમાને નીચે લાવવા”નો આરોપ લગાવ્યો.
ભાજપના નેતા સતીશ પુનિયાએ જણાવ્યું હતું કે, “રાજ્ય બળાત્કારમાં નંબર વન હોવાની અને પુરુષોના નામ પર મહિલાઓનું અપમાન કરવાની નિર્લજ્જ કબૂલાત એ રાજ્યની મહિલાઓનું અપમાન તો છે જ પરંતુ તેનાથી પુરુષોની ગરિમાને પણ ઠેસ પહોંચી છે. પ્રિયંકા ગાંધી હવે તમે શું કહેશો, તમે શું કરશો?”