અમદાવાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિક્કીનો પ્રસાદ આપવા સામે વ્યાપક વિરોધ ઊઠ્યા બાદ સરકારને મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી. અને આજે જ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ચિક્કી સાથે મોહનથાળનો પ્રસાદ પણ આપવામાં આવશે. હજુ આ વિરોધ પુરતો શમ્યો નથી ત્યાંજ યાત્રાધામ પાવાગઢ મંદિરમાં નાળિયેરના પ્રસાદને લઈ વિવાદ શરૂ થયો છે. પાવાગઢ મંદિરમાં નાળિયેર વધેરવા પર પ્રતિબંધ મૂકાયો છે. સાથે જ મંદિરમાં છોલેલું નાળિયેર લાવવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયું છે. પાવાગઢ મંદિરના રસ્તે જો કોઈ વેપારી છોલેલુ નાળિયેર વેચશે તો દંડ થશે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે આ નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે પાવાગઢ મંદિર ટ્રસ્ટના નિર્ણયથી ભક્તોમાં રોષ જોવા મળ્યો છે. સાથે જ મંદિર ટ્ર્સ્ટના નિર્ણયથી ભકતો અને વેપારીઓમાં વ્યાપક અસંતોષ ફેલાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અંબાજી બાદ હવે શક્તિપીઠ ગણાતા પાવાગઢ ખાતે પણ શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચે તેવો નિર્ણય કરાયો છે. મંદિરમાં છોલેલું નાળિયેર લાવવા પર પ્રતિબંધ મુકાયો છે. તો સાથે જ છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન કરાયું છે. સ્વચ્છતાનું બહાનું આગળ ધરીને મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણયો લેવાયો છે. વેપારીઓ પણ જો છોલેલું નાળિયેર વેચશે તો દંડનીય કાર્યવાહી કરવાની જાહેરાત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. મંદિરના ટ્રસ્ટીઓએ વોટ્સએપ નોટ દ્વારા આ નિર્ણય જાહેર કર્યો હતો. જેથી સ્થાનિક વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. નવા ટ્રસ્ટી મંડળની રચના બાદ લેવાયેલા નિર્ણયોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા અગત્યની જાહેરાત તેમજ તાત્કાલિક અમલમાં મુકવા માટેની સૂચના અપાઈ છે. જેમાં તારીખ 20- 3 -23 ને સોમવારથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં. અને મંદિરમાં શ્રીફળ પોતે જ માતાજીને ધરાવી ચૂંદણી સાથે ઘરે લઈ જવાનું રહેશે . ઘરે લઈ ગયા પછી આ શ્રીફળ ચુંદડીમાં બાંધી આપ મંદિરમાં પૂજામાં મૂકી રાખો તેવો આગ્રહ છે. અથવા ઘરે જઈને પાણીયારે મૂકી પછી તેનો પ્રસાદ કરી સૌને વહેંચી શકો છો. જે વેપારીઓ પાસે થી છોલેલું શ્રીફળ મળશે તેઓની સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા રાખવામાં સહકાર નહિ આપવા તથા ગંદકી કરવા બદલ સરકારના સંબંધિત અધિકારી દ્વારા નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે . મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેક કરશે અને છોલેલું શ્રીફળ ઉપર લાવવા દેશે નહીં જેની નોંધ સર્વ વેપારી અને માઈ ભક્તોને લેવા વિનંતી. કરવામાં આવી છે. અને સિક્યુરિટી સાથે તકરાર કરનારા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.