રાજકોટમાં પશ્વિમ રેલવેની સાંસદો સાથેની બેઠકમાં મેયર અને કમિશનરને પ્રવેશ ન અપાતા વિવાદ
રાજકોટઃ શહેરના સર્કિટ હાઉસ ખાતે પશ્ચિમ રેલવેની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્રભરના સાંસદો અને રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા. પરંતુ રાજકોટના પ્રથમ નાગરિક મેયર ડો.પ્રદીપ ડવ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અમિત અરોરા આ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા ત્યારે બંનેને રોકવામાં આવ્યા હતા. ક્લાસ વન અધિકારી અને મેયરની અવગણના કરવામાં આવી હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. આ બેઠકમાં પ્રોટોકોલ મુજબ બંનેને અંદર જવા દેવામાં ન આવ્યાનું જાણવા મળ્યું છે.
પશ્વિમ રેલવે દ્વારા સૌરાષ્ટ્રના રેલવેના પ્રશ્નો માટે રાજકોટના સર્કિટ હાઉસમાં બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્રના સાંસદોને નિમંત્રણ આપવામાં આવ્યા હતા. કોરોનાકાળ બાદ પ્રથમ વખત પશ્ચિમ રેલવેના સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક મળી હતી.. આ બેઠકમાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક તેમજ રાજકોટ ભાવનગરના ડીઆરએમ પણ હાજર રહ્યા હતા. તો સાથોસાથ રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, જામનગર સહિતના સાંસદો પણ હાજર રહ્યા હતા. તેમજ રાજ્યસભાના સાંસદ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં હાજર રહેલા સાંસદોએ પોતાના વિસ્તારમાં પડી રહેલી લોકોને હાલાકી અંગે રજૂઆત કરી હતી.
કોરોનાકાળ શરૂ થતાં કેટલીક ટ્રેન પશ્ચિમ રેલવે દ્વારા બંધ કરવામાં આવી છે. તે તમામ ટ્રેન ફરી વખત શરૂ કરવા માટે સાંસદો દ્વારા રજુઆત કરવામાં આવી છે. આથી કરીને છેવાડાના માનવી સુધી પણ રેલવેની સુવિધા રેલવેની કનેક્ટિવિટી પહોંચી શકે. તો સાથોસાથ જેટલી પણ જગ્યાએ ડબલ ટ્રેકની કામગીરી કરવામાં આવી રહી છે તે ઝડપથી થાય તે અંગે પણ સૂચનો કરવામાં આવ્યા હતા. રાજકોટ શહેરની ભાગોળે એઇમ્સનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે AIIMS હોસ્પિટલથી નજીકમાં જ ખંઢેરી ખાતે રેલવે સ્ટેશનનું નવીનીકરણ થાય તેમજ વધુમાં વધુ સગવડો ત્યાં મુસાફરોને પ્રાપ્ત થાય તે બાબતની રજૂઆત સાંસદો દ્વારા કરવામાં આવી હતી.