Site icon Revoi.in

જૈનોના મહાતિર્થ શૈત્રુંજી પર્વત પર લગાડેલા બોર્ડ અને CCTV કેમેરાની તોડફોડ કરાતા વિવાદ

Social Share

પાલિતાણાઃ જૈનોના પવિત્ર તિર્થ શૈત્રુંજય પર્વત પરના સુરજકુંડ ખાતે પેઢીએ લગાડેલા બોર્ડ અને સીસીટીવી કેમેરાના થાંભલાને તોડફોડ કરાતા જૈન સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા તોડફોડ કરનારા વિડિયો ફુટેજ પણ પોલીસને અપાયા છતા કોઈ અગમ્ય કારણોસર પોલીસે એફઆઈઆર પણ નહી નોંધતા અનેક સવાલો ઉભા થયા છે. જૈનોમાં શેત્રુંજય પર્વતએ તિર્થાધિરાજ છે. દુનિયાભરના જૈનોનું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે.પણ પાલિતાણાના મુઠ્ઠીભર કેટલાક તત્વો છેલ્લા કેટલાક સમયથી આ યાત્રાધામમાં વિઘ્નો ઉભા કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રોહીશાળા ખાતે આવેલા આદિનાથ ભગવાનના પગલાને દેરીના તાળા તોડી કોઈએ હથોડી – છીણી જેવા હથિયારો વડે તોડવાનો પ્રયાસ કર્યા બાદ આ અંગે પોલીસ ફરિયાદ થવા છતા પોલીસે કોઈ પગલા ન લીધા ન હતા. ત્યારે બપોરે શેત્રુંજય પર્વત પર જઈ સુરજકુંડ ખાતે ઉભા કરાયેલા સીસીટીવી કેમેરાના થાંભલાઓ તોડી નાખી, પેઢીએ મારેલા બોર્ડને તોડફોડ કરી ભય અને આતંકનું વાતાવરણ ઉભુ કરતા યાત્રિકોમાં દોડધામ મચી ગઈ હતી. પાલિતાણાના કોઈ બે શખ્સોએ યાત્રિકોની હાજરીમાં તોડફોડ કરી જાહેરમાં અભદ્ર વર્તન કરી લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા વારંવાર પોલીસને રજુઆત કરાયા બાદ પોલીસે ઉપર પહોંચી આ શખસોને નીચે ઉતાર્યા હતા પણ પેઢીની લેખીત ફરિયાદ છતાં આવા તત્વો સામે પગલાં ભરવાને બદલે પોલીસે પેઢીના સંચાલકોને સમાધાન કરી લેવાની ભૂમિકા ભજવતા પાલિતાણામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે પ્રશ્નાર્થો ઉભા થયા છે.

આ ઘટનાની જાણ થતા જ ભાવનગરના જૈન સંઘ ઉપરાંત ગામે ગામ જૈન સંઘની મિટીંગો મળી રહી છે અને તંત્ર ગુનેગારને છાવરશે તો લડત આપવાની ચેતવણી પણ આપવામાં આવી છે. હાલમાં પાલિતાણામાં 99 યાત્રા અને છ’રિ પાલિત સંઘ આવતા હોવાથી યાત્રિકોની ખુબ ભીડ છે ત્યારે ડુંગર પર યાત્રિકોને ખાસ કરી મહિલાઓને સલામતી અંગે પણ ચિંતા ઉભી થઈ છે. પાલિતાણા, રોહીશાળા અને સુરજકુંડ ખાતે કેટલાક અસામાજિક તત્વોએ ગુંડાગીરી કરી તોડફોડ કરી છે અને ડુંગર પરના યાત્રિકોમાં પણ ભયનો માહોલ ઉભો કર્યો છે. આવા તત્વો સામે પગલા લેવાને બદલે તંત્ર તેને છાવરી રહી છે ત્યારે અમદાવાદ સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા ઓપેરા જૈન સંઘ પાલડી ખાતે એક ઈમરજન્સી મિટીંગ બોલાવવામાં આવી છે. જેમાં તમામ યુવક મંડળોને પણ હાજર રહેવા જણાવાયું છે.