દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ધર્મ પરિવર્તન કરાવવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યાં બાદ એટીએસની ટીમે ઊંડાણપૂર્વકની તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન પોલીસે એક પીડિતનું નિવેદન લીધું હતું. જેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. પીડિતે કહ્યું હતું કે, મુક-બધિર શાળામાં એક શિક્ષકે સૌ પ્રથમ તેને ઈસ્લામ અપનાવવા પ્રેરિત કર્યો હતો. ત્યાર બાદ તેને ચમનગંજ નિવાસી મો. વાસિફનો સંપર્ક કરાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા ઉપર વાસિફ તેને મોહમ્મદ ઉમરના વીડિયો મોકલીને તેનું માઈન્ડ વોશ કરતો હતો અને આખરે તેને ઉમર સાથે મળાવવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર એટીએસની એક ટીમ આ શાળામાં પણ નોએડા પોલીસ સાથે મળીને તપાસ કરી રહી છે. જ્યાં અનેક વિદ્યાર્થીઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે અને એટીએસ તેની તપાસ કરી રહી છે. ઉમર ગૌતમ અને તેના સાથીઓએ આદિત્ય ઉર્ફે અબ્દુલને ખૂબ જ કટ્ટર બનાવી દીધો છે. ટોળકીએ આદિત્યને 2,000 રૂપિયા આપીને તેની સુન્નત પણ કરાવી દીધી હતી. આદિત્ય હવે ઈસ્લામની વાતો કરે છે અને તેના માટે કશું પણ કરવાનો દાવો કરે છે. તે હજુ પણ કેરળ જવાની જિદ કરી રહ્યો છે.
આદિત્યએ એટીએસને અલીગઢ નિવાસી એક મૂક બધિર વિદ્યાર્થીનો ફોટો આપ્યો હતો અને હવે તેનું ધર્માંતરણ થશે તેમ જણાવ્યું હતું. હાલ એટીએસ તે વિદ્યાર્થીને બચાવવાના પ્રયત્નમાં લાગી ગઈ છે. ઉમરના તાર કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાની પણ આશંકા છે. એટીએસ, મિલેટ્રી ઈન્ટેલિજન્સે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. એટીએસની ટીમે સાંકેતિક ભાષાના એક્સપર્ટની મદદથી આદિત્યની પૂછપરછ કરી હતી.
ધર્માંતરણ સર્ટિફિકેટ પ્રમાણે 14 જાન્યુઆરી, 2021ના રોજ આદિત્ય ઈસ્લામ અપનાવીને અબ્દુલ કાદિર બન્યો હતો. આશરે 10 મહિના સુધી તેને મોટિવેટ કરવામાં આવ્યો હતો અને પછી તેણે ઈસ્લામ અપનાવ્યો હતો. આદિત્ય પાસેથી ઈસ્લામ સાથે સંકળાયેલા તમામ પુસ્તકો પણ મળી આવ્યા હતા. ઉમરે તેને આ પુસ્તકો પૂરા પાડ્યા હતા અને તેને લોકોમાં વહેંચવામાં આવતા હતા. એટીએસ દ્વારા પુસ્તકો અને આદિત્યનો ફોન જપ્ત કરવામાં આવ્યો છે.