લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટની એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીની સમગ્ર રેકેટમાં સંડોવણી બહાર આવી છે. મુક-બધિર વિદ્યાર્થીઓનું ધર્મ પરિવર્તન કરાવ્યાં બાદ તેમને આતંકવાદી સંગઠનમાં સામેલ કરવાનો આરોપીઓનો ઈરાદો હોવાનું ખૂલતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. વિદ્યાર્થીઓને આતંકવાદી શિબિરમાં તાલીમ આપવાની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. એટીએસને આ અંગે કેટલાક મહત્વના પુરાવા પણ મળ્યાં હોવાનું સામે આવ્યું છે.
ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે તાજેતરમાં જ મુક-બધિર વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદ હિન્દુ મહિલાઓનું માઈન્ડવોશ કરીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટનો પર્દાફાશ કરીને બે આરોપીઓને ઝડપી લીધા હતા. તેમજ બંનેના રિમાન્ડ મેળવીને એટીએસની ટીમ દ્વારા આગવી ઢબે તેમની પૂછપરછ કરવામાં આવી છે. એટલું જ નહીં આ રેકેટનો પર્દાફાશ થતા અન્ય સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. એટીએસની તપાસમાં એક હજારથી વધારે લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
આઈએસઆઈના ઈશારા ઉપર વિવિધ આતંકવાદી સંગઠનોએ ધર્માંતરણ સિંડીકેટના લોકોને વધારેમાં વધારે મદદ કરાતી હતી. તેમજ વધુને વધુ લોકોનું ધર્માંતરણ કરવા સૂચના આપવામાં આવી હતી. આની જવાબદારી મૌલાના ઉમર ગૌતમને સોંપવામાં આવી હતી. ષડયંત્ર અનુસાર મુક-બધિર લોકોને ઈસ્લામ કબુલ કરાવીને તેમને કટ્ટરપંથી બનાવાયાં હતા. આ ઉપરાંત તેમને આતંકવાદી સંગઠનોમાં મોકલવાનું કાવતરુ પણ ઘડવામાં આવ્યું હતું. નોઈડાની ડેફ સોસાયટીએ કેટલાક વિદ્યાર્થીઓના ધર્મ પરિવર્તનની વાતની સ્પષ્ટ કરી છે. જો કે, દિલ્હી-એનસીઆરના 6થી વધારે મુક-બધિર સ્કૂલ અને ટ્રેનિક સેન્ટર આ સિન્ડીકેટના નિશાન ઉપર હતા.