લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણ પ્રકરણમાં એટીએસની ટીમની તપાસમાં રોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. આરોપી મહંમદ ઉમર ગૌતમ અને કાઝી જહાંગીરને અનેક ચોંકાવનારી કબુલાત કરી છે. એટીએસના હાથમાં એક યાદી લાગી છે જેમાં 33 યુવતીઓ અને મહિલાઓના નામ સામેલ છે જેમના ધર્મ પરિવર્તન કરાવાયાં છે. એટલું જ નહીં આ ગેંગ બે મુકબધિર વિદ્યાર્થીઓના ધર્મ પરિવર્તનની ફિરાકમાં હતી. આ ઉપરાંત આ પ્રકરણમાં કાનપુરના 3 મૌલવીની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓ ઉત્તરપ્રદેશ અને આસપાસના રાજ્યોમાં એક હજારથી વધારે લોકોના ધર્મ પરિવર્તન કરાવી ચુક્યાં છે. ધર્માંતરણ રેકેટના તાર કાનપુર સુધી જોડાયેલા છે. કાનપુરમાં રહેનારા મુકબધિર વિદ્યાર્થી આદિત્ય ગુપ્તા ઉર્ફે અબ્દુલ કાદિર અને રિચાથી માહિન અલી બની હતી. માહિન અલી ઘાટમપુરની રહેવાસી છે. એમબીએ કર્યાં બાદ રિચા નોઈડાની એક કંપનીમાં નોકરી કરત, હતી. એટલું જ નહીં પોતાની સેલરી મસ્જીદમાં દાન કરતી હતી. એટીએસની તપાસમાં ખુલ્યું છે કે, આ ગેંગના સભ્યો ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓ અને યુવતીઓનું ધર્મ પરિવર્તન કરાવતા હતા.
આ પ્રકરણમાં કાનપુરના 3 મૌલાનાની સંડોવણી હોવાનું પણ મનાઈ રહ્યું છે. આ ત્રણેય મૌલાના એનઆરસી અને સીએએ હિંસાના કેસમાં જેલવાસ પણ ભોગવી ચુક્યાં હોવાનું જાણવા મળે છે. કાનપુરમાં ધો-7 અને 10માં અભ્યાસ કરતા બે મુકબધિર વિદ્યાર્થીઓનું ધર્મ પરિવર્તન કરાવવા બ્રેનવોશ કરવામાં આવ્યું હતું. આ બંને વિદ્યાર્થીઓની મનોચિકિત્સક પાસે સારવાર કરવામાં આવી રહી છે.