અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ એનઆઈએમસીજે,અમદાવાદના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અભ્યાસક્રમની બે બેચના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. ૪૧ વિદ્યાર્થીઓને પીજી ડિપ્લોમા એનાયત કરાયા હતા જ્યારે આઠ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો મુખ્ય મહેમાનોના હસ્તે અપાયા હતા.
આ પ્રસંગે સમારોહના મુખ્ય મહેમાન, ગુજરાત યુનિવર્સિટીના વિદુષી કુલગુરુ ડો. નિરજા ગુપ્તા ઓજસ્વીએ જણાવ્યું હતું કે આજે સોશિયલ મીડિયાના જમાનામાં આપણે ચારે તરફથી પાશ્ચાત્ય વિચારોથી ઘેરાયેલા છીએ.આવા સમયે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા અત્યંત જરૂરી છે.
વિદ્યાર્થીઓને શીખ આપતા ડો.ગુપ્તાએ જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિ અને આપણી ઓળખ આપણા માટે ખૂબ જરૂરી છે.આપણે અન્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ. તેને બિનજરૂરી પ્રોત્સાહન ન આપવું જોઈએ.આપણને આપણી ઓળખ પર હંમેશા ગર્વ હોવો જોઈએ.આજે અંગ્રેજી ભાષા કરતા પ્રાદેશિક અને હિન્દી ભાષામાં માધ્યમો વધુ વિકસ્યા છે એ બતાવે છે કે આપણે મૂળિયા સાથે જોડાયેલા રહેવું જોઈએ.
વિદ્યાર્થી અવસ્થામાં શાળા કોલેજના શિક્ષણને મેળવ્યા બાદ માત્ર પરીક્ષાલક્ષી અભ્યાસને બદલે જીવનમાં જ્ઞાન પ્રાપ્ત થાય તેવા પણ પ્રયાસો કરવા જોઈએ. આજે દીક્ષાંત સમારોહ છે શિક્ષણનો અંત નથી.તમારુ શિક્ષણ આજીવન ચાલવું જોઈએ, માધ્યમકર્મી તરીકે તમારા માટે એ અનિવાર્ય છે તેમ ડો.ગુપ્તાએ જણાવ્યું હતું.
દીક્ષાંત સમારોહના અતિથિ વિશેષ અને એસ્ટ્રલ પાઇપ્સ કંપનીના એમડી સંદીપ એન્જિનિયરએ તેમના દ્વારા એસ્ટ્રલ બ્રાન્ડને પ્રમોટ કરવા થયેલા પ્રયાસોની રોચક વાતો વિદ્યાર્થીઓ સામે મૂકી હતી. તેમણે જણાવ્યું હતું કે જેમ પાઇપને કોઈ આખા માળખામાં જોતું નથી પણ તેનું માળખું ઊભું કરવામાં મોટું મહત્વ છે તેમ મીડિયાકર્મીઓનું પણ સમાજમાં અનેરુ મહત્વ છે.
પ્રોડક્ટની બ્રાન્ડિંગ અને બ્રાન્ડ પોઝિશનિંગની પ્રક્રિયાને સમજાવતા સંદીપ એન્જિનિયરએ જણાવ્યું હતું કે માસ કમ્યુનિકેશનના આગવા પાસાનો ઉપયોગ કરીને અમે એક મજબૂત બ્રાન્ડ એસ્ટ્રલ પાઇપ્સના નામે ઊભી કરી છે. જે પ્રોડક્ટ વિશે કદાચ અમદાવાદ બહાર કોઈને જાણ ન હતી તે હવે સ્ટ્રોંગ બ્રાન્ડ પોઝિશનિંગને કારણે આખી દુનિયામાં વેચાય,વખણાય છે. આ પ્રસંગે સંસ્થાના નિયામક ડો. શિરીષ કાશીકર, મેનેજિંગ ટ્રસ્ટી પ્રદીપભાઈ જૈન, સંસ્થાના ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.